દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર જૂના ઝઘડાની અદાવતમાં ત્રણ મહિલા સહિત ચાર જણાએ એક પર ચપ્પુનો હુમલો કરી ઈજાઓ પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેની દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
દાહોદ બસ સ્ટેશન સામે યાદવ ચાલમાં રહેતી ચંદ્રકલાબેન ઉર્ફે છમ્મો રાજુભાઈ યાદવનો છોકરા મહાવીરે બાજુના એપાર્ટમેન્ટમાં રહેતી છોકરી સાથે પ્રેમ સંબંધમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે યાદવ ચાલમાં રહેતા ધીરજભાઈ ઉર્ફે કાલીયા ગણેશભાઈ યાદવ ઉપર વહેમ રાખી ધીરજભાઈ યાદવ તથા અન્ય બે ઈસમો વિરૂદ્ધમાં ચંદ્રકલાબેન યાદવે દોઢ વર્ષ અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં ધીરજ યાદવ તથા અન્ય બે ઈસમો કોર્ટમાંથી જામીન મુક્ત થયા હતા. જેમાં રાત્રે ધીરજભાઈ ઉર્ફે કાલીયા ગણેશભાઈ યાદવ અને તેનો મિત્ર દિપક અશોકભાઈ યાદવ મહાલક્ષ્મી ફુટવેર પાસે બેઠા હતા. તે દરમિયાન યાદવ ચાલમાં રહેતા ચંદ્રકલાબેન ઉર્ફે છમ્મો રાજુભાઈ યાદવ, ગીતા છોટાલાલ યાદવ, લક્ષ્મી દશરથભાઈ યાદવ તથા દીલીપ શંકરલાલ યાદવ એમ ચારે જણાએ બેફામ ગાળો બોલી મારા છોકરા મહાવીરને તે મારી નાંખ્યો છે તેમ કહી ધીરજભાઈ યાદવને માર માર્યો હતો. તેમજ કાન ઉપર માથાના ભાગે ચપ્પુ મારી ઈજાઓ પહોંચાડી હતી અને મારી નાંખવાની ધાક-ધમકીઓ આપી હતી. આ સંદર્ભે ધીરજભાઇ ઉર્ફે કાલીયા ગણેશભાઇ યાદવે ત્રણ મહિલા સહિત ચાર હુમલાખોરો વિરૂદ્ધ દાહોદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.