દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતાં ઈસમોનો ત્રાસ દિનપ્રતિદિન વધવા માંડ્યો છે. ત્યારે દાહોદ શહેરમાં એક વ્યાજખોર દ્વારા એક વ્યક્તિને 10 ટકાના વ્યાજદરે રૂા. 70 હજાર આપ્યાં બાદ વ્યક્તિએ તે નાણાં મૂડી સહિત વ્યાજ પેટે ચુકવ્યા બાદ પણ વ્યાજખોર દ્વારા વધુ નાણાંની માંગણી કરવામાં આવી હતી. તેમજ વ્યક્તિનું એ.ટી.એમ. કાર્ડ અને કોરા ચેક લઈ લેતાં અને રસ્તામાં રોકી ધાકધમકીઓ આપતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
દાહોદ શહેરમાં ગોધરા રોડ પરેલ વિસ્તારમાં રહેતાં ઈરફાન મુક્તિયાર શેખે દાહોદ શહેરના પરેલ વિસ્તાર ખડ્ડા કોલોની ખાતે રહેતા મુકેશભાઈ કનુભાઈ સાંસી પાસેથી તારીખ 20 સપ્ટેમ્બર, 2020ના સમયગાળા દરમિયાન રૂા. 70 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતા. સમય સાથે તારીખ 10 મે, 2022ના સમયગાળા સુધી ઈરફાને મુકેશભાઈને 70 હજારની મુડી અને વ્યાજના રૂા. 1.5 લાખ મુકેશભાઈને ચુકવી દીધાં હતાં.
ત્યારે મુકેશે ઈરફાન પાસેથી વધુ 2 લાખ રૂપિયા બળજબરીપૂર્વક કઢાવવા માટે ઈરફાન અને ફરીદાબેન ગઈકાલે દાહોદ બજારમાંથી પસાર થતા હતા તે સમયે તેમને રસ્તામાં રોક્યા હતા. ઉપરાંત બેફામ ગાળો બોલી ઈરફાનભાઈ પાસેથી તેમનું એ.ટી.એમ. કાર્ડ અને ત્રણ ચેક કાઢી લઈ પરત નહીં આપી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ સંબંધે ઈરફાન મુક્તિયાર શેખે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.