મતદાન જાગૃતિ:દાહોદમાં ડોર ટુ ડોર કચરો એકઠી કરતી ગાડીઓ દ્વારા અચૂક મતદાન કરવાનો અનોખી રીતે અપાઈ રહ્યો છે સંદેશો

દાહોદ3 મહિનો પહેલા

દાહોદમાં ડોર ટુ ડોર કચરો એકઠી કરતી ગાડીઓ દ્વારા અચૂક મતદાન કરવાનો સંદેશો આપી મતદાન જાગૃતિ હાથ ધરવામાં આવી છે. આ સંદેશો દરરોજ સવારે દાહોદ નગરના દરેક ઘર સુધી ડોર ટુ ડોર કચરો એકઠી કરતી સ્માર્ટ સીટીની ગાડીઓ થકી કંઇક અનોખી અને અસરકારક રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે. આગામી તા. 5 ડિસેમ્બર સુધી દરેક નગરજનને આ સંદેશો લગભગ ગોખાઇ જાય તેવી રીતે તેનું પ્રત્યાયન કરાયું છે.
સ્માર્ટ સીટીના વાહનોનો ઉપયોગ કરાય છે
દાહોદ નગરમાં ઘરે ઘરે પહોંચીને કચરો એકઠો કરવાની કામગીરી કરતી ગાડીઓ સ્વચ્છતાના સંદેશાની સાથે અત્યારે મતદાન કરવાનો સંદેશો પણ આપી રહી છે. નગરને સ્વચ્છ રાખવા માટે સ્માર્ટ સીટીની આ ગાડીઓ દરેક ઘરે પહોંચે છે ત્યારે દરેક મતદાતા સુધી લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવા માટેનો સંદેશો ખૂબ સરસ રીતે પહોંચી રહ્યો છે.
મતદાતાઓ અચૂક મતદાન કરે તેવા પ્રયાસ
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારે જિલ્લામાં આગામી તા. 5 ડિસેમ્બરે નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. દાહોદ નગરમાં પણ મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. સવારમાં વહેલા કચરો લેવા આવતી ગાડીઓમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીનો સંદેશો દાહોદ નગરના દરેક મતદાતા સુધી પહોંચાડી રહી છે. જે મતદાનના દિવસ સુધી નગરના દરેક મતદાતાને પોતાની ફરજની યાદ અપાવશે.

અન્ય સમાચારો પણ છે...