દાહોદ જિલ્લામાં ધનતેસરસની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ઘણા લોકોએ સોના-ચાંદીની ખરીદી સાથે વાહનોની ખરીદી પણ કરી હતી. આ ઉપરાંત સાંજના સમયે ધનની પૂજા પણ કરી હતી. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ધન સાથે ધાન્યને પૂજવાની પણ અનોખી પરંપરા છે. ધરતીપૂત્રો માટે ધન્ય જ ધન હોવાનું માનીને સંખ્યાબંધ સ્થળે ધન સાથે ધાન્યની પણ પૂજા કરવામાં આવે છે. દાહોદ અને ગરબાડા પંથકમાં તો એકલા ધાન્યની પૂજા કરવામાં આવતી હોવાનું જોવા મળ્યુ હતું.
આ પૂજામાં તલ, જવાર, ઘઉ, શામલી, બાજરો, અડદ, જવ, ભાદલી, કુલથિયા, ડાંગર, કોદરા, તુવેર, બાગલી મુકીને તેની પૂજા કરવામાં આવે છે. આદિવાસી સમાજમાં વર્તમાનમાં માલેતુજારો ધાન્ય સાથે ધનની પૂજા પણ કરતા થયા છે. ભૂતકાળમાં મહત્તમ સ્થળે ધાનની જ પૂજા કરાતી હતી પરંતુ હાલમાં ધીમે-ધીમે આ પ્રથા વિસરાઇ રહી હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
નવો પાક થાય તે વખતે પણ ખેડૂતો દ્વારા ધાન્યની પૂજા કરવામાં આવે છે
દાહોદ જિલ્લામાં જ્યારે-જ્યારે પણ નવો પાક થાય છે ત્યારે સૌ પ્રથમ તે દેવતાને ચઢાવવા સાથે બહેન અને ભાણેજને ખવડાવવામાં આવે છે. આ પ્રથાને નવાઇ કહેવામાં આવે છે. આ સાથે ધનતેસરના રોજ પણ સંખ્યાબંધ સ્થળે ધાન્યની પૂજા કરવામાં આવે છે.
પ્રથા આજે પણ જાળવી રાખી
પૂર્વજોના સમયથી અમારા વિસ્તારમાં ધાન્યને ધન સમજી ધનતેરસના દિવસે તેની પૂજા કરવામાં આવે છે. ખેડૂતો માટે ધાન જ ધન છે. ધાનની પૂજા કરવાની આ પ્રથા આજે પણ અમે જાળવી રાખી છે. > પ્રતાપભાઇ ખપેડ, મોટીખરજ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.