દાહોદમાં જિલ્લામાં આજે બુધવારે એક જ દિવસમાં 75 કોરોના કેસ નોંધાતાં દાહોદ જિલ્લવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દાહોદની સરકારી હોસ્પિટલો હવે ધીમે ધીમે હાઉસફુલ થવા માંડી છે અને તેમાંય ખાસ કરીને કોરોના વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે હવે જિલ્લામાં છેલ્લા બે દિવસથી 50 ઉપરાંત કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે.
જિલ્લામાં આજે બુધવારે આર.ટી.પી.સી.આર. ના 1556 પૈકી 34 અને રેપીડ ટેસ્ટના 837 પૈકી 41 મળી કુલ 75 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. સૌથી મોખરે દાહોદ તાલુકા અર્બન વિસ્તાર રહ્યો હતો. દાહોદ તાલુકા અર્બન વિસ્તારમાંથી 31, દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી 7, ઝાલોદ ગ્રામ્ય વિસ્તારમાંથી 10, દેવગઢ બારીઆ અર્બનમાંથી 1, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 1, લીમખેડામાંથી 6, સીંગવડમાંથી 4, ગરબાડામાંથી 2, ધાનપુરમાંથી 2, ફતેપુરામાંથી 1 અને સંજેલીમાંથી 7કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.
આજે દાહોદ જિલ્લાના તમામ વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોઈ તાલુકો આજે બાકી રહ્યો નથી. કોરોના સંક્રમણ ધીરે ધીરે શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યો છે. નોંધનીય છે કે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉથી કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે હોસ્પિટલમાં બેડની વધારાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. પરંતુ હવે આવનારા દિવસોમાં કોરોના સંક્રમણ કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જોવાનું રહ્યું. આ સિવાય દાહોદની ખાનગી હોસ્પિટલોમાં પણ સામાન્ય ફ્લુ જેવા કે, તાવ, ખાંસી, શરદી વગેરેના દર્દીઓનો રાફડો ફાટ્યો છે.
દાહોદમાં સરકારી હોસ્પિટલ સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આવા સમયે દાહોદમાં કોરોના સંક્રમણનો ફેલાવાની સંભાવનાઓ વધુ વ્યક્ત કરાઈ રહી છે. રાહતના સમાચાર એ છે કે, દાહોદમાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે એકસાથે 34 દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં અત્યારસુધીનો કોરોનાનો કુલ આંકડો 7627ને પાર થઈ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.