રસીકરણ:દાહોદમાં જિલ્લામાં પ્રધાનમંત્રીના જન્મદિવસે 99 હજાર લોકોને કોરોનાની વેક્સિન અપાશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહારસીકરણ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવા નાગરિકોને અપીલ કરાઇ

દાહોદ જિલ્લામાં આવતી કાલે તા. 17 સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે મેગાવેક્સિનેશન અભિયાન અંતર્ગત 99 હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત વિવિધ ફલેગશીપ યોજનાનો લાભ લાભાર્થીઓને આપવામાં આવશે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં એક સયુક્ત નિવેદનમાં આ માહિતી પત્રકારોને આપી હતી.

તેમણે જણાવ્યું કે, જિલ્લામાં કોરોનાની રસીકરણની કામગીરી ગત તા. 16 જાન્યુઆરીથી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં વેક્સિનની લાયકાત ધરાવતા 15 લાખ 37 હજાર 373 લોકોમાંથી 13 લાખ 29 હજાર 202 લોકોને વેક્સિનના પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 4 લાખ 24 હજાર 293 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લામાં વેક્સિનની લાયકાત ધરાવતા અને વેક્સિન લેવાની બાકી હોય તેવા હજુ 2 લાખ 08 હજાર 535 લોકોને વેક્સિન આપવા માટેનું પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું કે, આવતી કાલે તા. 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે મહારસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના 99 હજાર લોકોને વેક્સિન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો પણ પૂરતો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે. તેમજ તાલુકા કક્ષાએ તેની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.

આ મહારસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં 600 વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગનાં કુલ 2950 કર્મચારીઓની ટીમ વેક્સિનેશનની કામગીરીમાં જોડાશે અને 1200 જેટલા વેક્સિનેટર દ્વારા નાગરિકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

પત્રકાર પરિષદમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના તમામ નાગરિકો જેમને વેક્સિનનો પ્રથમ કે બીજો ડોઝ લેવાનો બાકી છે તેઓ આવતી કાલે અવશ્ય નજીકના વેક્સીનેશન સેન્ટર પરથી વેક્સિન લે એ માટે અપીલ કરી હતી. જિલ્લામાં અત્યારે 40 હજાર જેટલા નાગરિકોને બીજો ડોઝ લેવા માટેનો સમય થઇ ગયો હોય તેઓ પણ આ મહારસીકરણ અભિયાનનો લાભ લઇ વેક્સિનનો ડોઝ લઇ લે તેમ તેમણે જણાવ્યું હતું. ગરીબોની બેલી સરકાર અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું કે, ઉજ્જવલા 2.0અંતર્ગત લાભાર્થીઓને ગેસ કનેક્સન આપવામાં આવશે. તેમજ સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ ગામડાઓમાં સામુદાયિક સોકપીટ, વ્યક્તિગત સોકપીટ, શૌચાલયોનું સમારકામ, નવા શૌચાલય બનાવવા માટેના હુકમ વિતરિત કરાશે.આ ઉપરાંત જિલ્લામાં કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર અનાથ બાળકોને મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ દર માસે ચાર હજાર રૂપિયા આપવાની યોજના અમલમાં છે.

આ તમામ બાળકોના બેંક ખાતામાં સીધે સીધી સહાય રકમ ડી.બી.ટી. મારફત જમા કરાવવામાં આવશે. આ ઉપરાંત કોરોનામાં જે બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા છે તેવા બાળકોને રૂ 2000ની રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે. પ્રધાનમંત્રીના જન્મ દિને યોજાનારા કાર્યક્રમમાં બાળકોને સહાય મંજૂરીના હુકમોનું વિતરણ કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં નાયબ કલેક્ટર રાજેન્દ્ર ગામેતી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્વકાંત પટેલ, ડો. રાકેશ વહોરિયા તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...