દાહોદમાં બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જોકે, શહેરીજનો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેવા સમયે ગત રાત્રે વરસાદ વચ્ચે વિશ્રામ ગૃહ નજીક એક વૃક્ષ ધરાશાયી થયુ હતું. જેથી વૃક્ષ નીચે દબાઈ જતા અનેક પક્ષીઓના મોત થયા હતા. જેને પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વૃક્ષ પર નિવાસ કરતાં પક્ષીઓના મોત
દાહોદ શહેરમાં આવેલા અને 24 કલાક ધમધમતા એવા વિશ્રામ ગ્રુહ નજીક રસ્તાની બાજુમાં આવેલું એક આમલીનું વૃક્ષ ગત રાત્રે અચાનક ધરાશાયી થઈ ગયુ હતું. જેથી વૃક્ષ પર આશરો લઈ રહેલા કેટલાક પક્ષીઓ પણ વૃક્ષની ડાળીઓની નીચે દબાઈ ગયા હતા. જેને પગલે કેટલાક પક્ષીઓનું મોત નીપજ્યા હતા.
વૃક્ષ પડતાં રસ્તો બંધ થઈ ગયો
આ વૃક્ષ પડતાં રસ્તો બંધ થઈ ગયો હતો. આ વિસ્તારની પાસે જ એસ.પી ઓફિસ, એસ.પી નિવાસ અને પોલીસ મથકો છે. બીજી તરફ શહેર પોલીસ મથક પણ આવેલુ છે. ત્યારે ઘટનાને પગલે દોડી આવેલી સ્થાનિક પોલીસ દ્વારા વૃક્ષને રસ્તાની સાઈડમાં કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી અને થોડા સમય માટે રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી હતી.
પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો પણ દોડી આવ્યાં
આ ઘટના સંબંધે પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદને પણ જાણ કરવામાં આવતા પ્રકૃતિ મિત્ર મંડળના સદસ્યો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને કેટલાક ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર અર્થે લઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.