દાહોદ શહેરમાં સોમવારે એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે આજે મંગળવારે પણ કંઇક એવી જ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. બાઇક પર જઇ રહેલા પરિવારનો ભયાનક અકસ્માત થયો હતો, છતાં તેમને ચમત્કારિક બચાવ થયો હતો. સામેથી ટ્રેક્ટર આવતા બાઇક સાઇડમાં ચલાવવા જતાં વરસાદી પાણીમાં ખાડો ન દેખાતા ચાલકે બાઇકનું સંતુલન ગુમાવ્યું હતું. જેમાં બાઇક પડી જતાં ચાલકના ગળાના ભાગે ટ્રેક્ટરની ટ્રોલીનું ટાયર ફરી વળ્યું હતું છતાં હેલ્મેટને કારણે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે પત્ની અને નાના બાળકનો પણ આબાદ બચાવ થયો છે.
હેલ્મેટે ચાલકનો જીવ બચાવ્યો
દાહોદમાં પ્રવેશ દ્વાર ગણાતા સ્માર્ટ સીટીના બોર્ડની સામે આવેલા રસ્તા ઉપર વરસાદી માહોલ વચ્ચે એક ટ્રેક્ટરની નીચે બાઇક સવાર એક દંપતિ આવી ગયું હતું. સદ્નસીબેન મોટરસાઈકલના ચાલકે માથામાં હેલ્મેટ પહેરી રાખતાં તેનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મિડીયામાં હાલ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: રોંગ સાઇડથી ઓવરટેક કરવા જતાં બાઇકસવાર બસના વ્હીલ નીચે આવી ગયો
બાઇક ચાલક ટ્રોલીના પૈડા નીચે આવી ગયો
વાઈરલ વીડિયો જોતા એકક્ષણે લોકોના રૂવાડા પણ ઉભા થઈ ગયાં હતાં. વીડિયોમાં ચાલુ ટ્રેક્ટરની નીચે દંપતિ પૈકી બાઇક ચલાવનાર વ્યક્તિ ટ્રેક્ટરની ટ્રોલીના પૈંડાની નીચે આવી ગયો હતો, પરંતુ માથે હેલ્મેટ પહેરી રાખેલું હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. દાહોદ સીટીમાં વરસતા વરસાદને પગલે સમગ્ર દાહોદ શહેરના જાહેર માર્ગો ધોવાઈ ગયાં છે. આ ધોવાઈ ગયેલા જાહેર માર્ગોને કારણે હાલ અકસ્માતોના ભારે ભય લોકોમાં સતાવી રહ્યો છે.
પાણી ભરાઈ ગયેલા ખાડા તરફથી ચાલકે બાઇક પસાર કરતાં બેલેન્સ બગડ્યું
વરસાદી માહોલ વચ્ચે ગતરોજ દાહોદ શહેરમાં પ્રવેશવાના જાહેર માર્ગ ઉપર સ્માર્ટ સીટીના બોર્ડની સામેના રસ્તા ઉપર ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે વાહન ચાલકો પસાર થઈ રહ્યાં હતાં અને તેવામાં એક ટ્રેક્ટર સામેથી આવતું હતું. ટ્રેક્ટરની સામેથી એક બાઇક સવાર દંપતિ અને તેમની સાથે એક બાળક એમ ત્રણેય જણા બાઇર પર સવાર થઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે જોતજોતામાં રસ્તા પર પાણી ભરાઈ ગયેલા ખાડા તરફથી ચાલકે બાઇક પસાર કરતાં બાઇકનું બેલેન્સ બગડ્યું હતું અને બાઇક સાથે દંપતિ નીચે પટકાયું હતું. જેને પગલે ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીના વ્હીલમાં બાઇક ચાલક આવી ગયો હતો અને તેના માથા પરથી વ્હીલ પણ પસાર થઈ ગયું હતું, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે એમ ચાલકે હેલ્મેટ પહેરી રાખેલું હોવાના કારણે તેનો આબાદ બચાવ થયો હતો.
ઘટના સીસીટીવીમાં કેદ થઈ
આ સમગ્ર ઘટનાનો વીડિયો નજીકમાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો અને વાયુવેગે આ વીડિયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતાં લોકો સ્તબ્ધ થઈ ગયાં હતાં. દાહોદ શહેરના આવા માર્ગોની દુર્દશા જોઈ લોકો અચંબામાં મુકાઈ ગયાં હતાં.
હાલ જ્યા જુઓ ત્યાં દાહોદ શહેરના જાહેર માર્ગો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાહેર માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને વરસાદી માહોલ વચ્ચે ખખડધજ રસ્તાઓ અને ખાડાઓમાં પાણી ભરાઈ જતાં ત્યાંથી વાહન લઈ પસાર થતાં પણ ડર લાગી રહ્યો છે. કારણ કે, જાહેર માર્ગો પર ભરાયેલા પાણીના ખાબોચીયાને પગલે માર્ગ અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે.
ગઇકાલે બસ નીચે બાઇક ચાલ આવી ગયો હતો
સામાન્ય લોકોના રૂંવાડાં ઊભાં કરી નાખનારી આ ઘટના સોમવારે દાહોદમાં ઘટી હતી. દાહોદ શહેરમાંથી પસાર થતાં હાઈવે પર સ્માર્ટ સીટીના બોર્ડ પાસે રોંગ સાઈડમાંથી આવી એસટી બસને ઓવરટેક કરવા જતા એક બાઈક સવાર એસ.ટી.બસની આગળ આવી ગયો હતો. બસ સાથે બાઈકની ટક્કર થતા ચાલક બસની નીચે ઘૂસી ગયો હતો જ્યારે તેનું બાઈક અથડાઈને દૂર ફેંકાયું હતું. જોકે, ચાલક ગણતરીની સેકન્ડમાં જ બહાર આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.