રવિવારે કાર્યવાહી:દાહોદમાં ફાયર સેફ્ટી વિનાની 9 હાઇરાઇઝ બિલ્ડિંગમાં આવેલી 40 દુકાનો સીલ કરાઇ

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં હાઇરાઇઝ બિલ્ડિંગની આગમાં યુવતીના મોતથી ફાયર વિભાગ એક્શનમાં
  • વડોદરા રિજિયોનલ ફાયર ઓફિસરના હુકમથી રવિવારે કાર્યવાહી

અમદાવાદમાં રેસિડેન્સિયલ એરિયામાં હાઇરાઈઝ બિલ્ડીંગમાં લાગેલી આગમાં એક યુવતી જીવતી ભુંજાઇ ગઇ હતી. આ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો. ત્યારે આ દુર્ઘટના બાદ દાહોદ ફાયર વિભાગ ટીમ વડોદરા રીજિયોનલ ફાયર ઓફિસરના હુકમથી એક્શનમાં આવી હતી. દાહોદ માં 9 હાઇરાઇઝ બિલ્ડીંગમાં આવેલી 40 જેટલી દુકાનો સીલ મારી દેવાતાં વેપારીઓનો રવિવાર હરામ થઇ ગયો હતો. ફાયર વિભાગની આ કાર્યવાહીથી લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

અમદાવાદના આર્કેડ ગ્રીન બિલ્ડિંગના 7માં માળમાં અચાનક આગ લાગી હતી. જેમાં 17 વર્ષની યુવતી આગની ઝપેટ આવી જતા તેનું સારવાર દરમિયાન મોત થ યુ હતું. જેથી ગંભીર નોંધ લેવાતાં વડોદરા રિજિયોનલ ફાયર ઓફિસરના હુકમથી દાહોદ પાલિકાનો ફાયર વિભાગ એક્શનમાં આવ્યો હતો. રવિવારના રોજ ફરી વળેલા ફાયર વિભાગના કર્મચારીઓએ શહેરમાં આવેલી 9 હાઇરાઇઝ બિલ્ડીંગના નીચેના ભાગે આવેલી 40 દુકાનોને સીલ મારી દેવા સાથે તેની ઉપર નોટિસો ચોંટાડી દેતાં ખળભળાટ મચી ગયો હતો.

પાલિકા દ્વારા ચોંટાડેલી નોટિસોમાં જણાવાયુ હતુ કે, હાઇકોર્ટના ચાલી રહેલા પીઆઇએલ અંતર્ગત વખતો-વખત સુચના, જાહેર નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ લીધેલ નથી. તો હાઇકોર્ટના આદેશ મ ુજબ તેજ રિજિયોનલ ફાયર ઓફિસર વડોદરાના પત્ર 7/1/2023 મુજબ પાલિકા દ્વારા સીલ મારવામાં આવે છે. આ ઘટનાથી વેપારીઓમાં રોષની લાગણી પણ જોવા મળી હતી.

આમા અમારો ભાડુઆતનો શું વાંક
વણઝારવાડામાં બિલ્ડીંગની નીચે ભાડાનીદુકાનમાં અમે સ્ટુડિયો ચલાવીયે છીયે. ફાયર સેફ્ટી જરૂરી છે પરંતુ આ બિલ્ડીંગમાં સુવિધા નથી તેમાં અમારો ભાડુઆતનો શું વાંક, અમે ચલાવિયે છીયે તે દુકાન બારોબાર સીલ કરીને તેની ઉપર નોટિસ ચોંટાડી દેવાઇ છે. -અલીઅકબર બાદશાહ, દુકાન ધારક

ફાયર સેફ્ટી મામલે શું સસ્યાઓ છે
દાહોદ માં સંખ્યાબંધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. મહત્તમ બિલ્ડીંગોમાં ગણતરીના પરિવારો રહે છે. ફાયર સેફ્ટી માટેનો ખર્ચ એકથી દોઢ લાખ કે તેથી વધુ થાય છે. ત્યારે બિલ્ડરો દ્વારા હાથ અદ્ધર કરતાં ગણતરીના પરિવારો ખર્ચ વેઠી શકે તેમ ન હોવાથી બિલ્ડીંગો ફાયર સેફ્ટીવિહોણી હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા દ્વારા બિલ્ડીંગ બને તે સમયે જ કડક વલણ અપનાવે તો છુટકારો મળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...