તપાસમાં ઘટસ્ફોટ:દાહોદમાં 37 વાહનો ભંગારમાં વેચાઇ ગયા અને RTOએ ટેક્સ બાકી કાઢ્યો

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ~1 લાખથી વધુ રોડ ટેક્સ બાકી હોઇ આરટીઓની તપાસમાં ઘટસ્ફોટ
  • 180 વાહનો રડારમાં લેવાયા ઃ લાખ રૂપિયા બાકી છતાં 130 વાહન બિન્દાસ ફરે છે

દાહોદ જિલ્લામાં રૂા. 1 લાખ થી વધુ રોડ ટેક્સ બાકી હોય તેવા વાહન 180 રડારમાં લેવાતાં 37 વાહનોનું ભંગારમાં વેચાણ કરાયું હતુ. 13 એવા હતા જેનું એફિડેવિડ કરીને બારોબાર વેચાણ કરાયાનો ઘટસ્ફોટ થયો છે. 130 વાહન એવા છે જેના ફસ્ટ ઓર્નર છે પરંતુ તેમણે ટેક્સના નામે કાણી પાઇ ભરી નથી. આ ટેક્સની રકમ નહીં ભરાય તો મામલે આરટીઓ કચેરી દ્વારા કાયદાકિય દંડુકો ઉગામવાનો ઇરાદો કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.

રાજ્ય સરકાર ટ્રાન્સપોર્ટ વાહનો હોય કે નોન-ટ્રાન્સપોર્ટ વાહનો, નવા હોય કે જુના તમામ માટે રોડ ટેક્સ વસૂલ કરે છે. ગુજરાતનો વાહનવ્યવહાર વિભાગ ગુજરાત સરકાર વતી રોડ ટેક્સ લાદે છે અને વસૂલ કરે છે. દાહોદ જિલ્લામાં આરટીઓ વિભાગ દ્વારા રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનોનું લિસ્ટ બનાવી તેને કેટેગરીમાં વહેંચી દીધા હતાં. જેમાં એ કેટેગરીમાં આવતાં હોય તેવા 1 લાખ રૂપિયા કે તેથી વધુ ટેક્સ બાકી છે. તેવા 180 વાહનો આખા જિલ્લામાં સામે આવ્યા છે.

આ વાહનોમાં ટ્રક, ખાનગી બસ, તુફાન જીપ, મેક્સી સહિતના આ વાહનોના માલિકોની તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો હતો કે, 37 વાહન એવા હતા કે જે રજિસ્ટ્રેશન કેન્સલ કરાવ્યા વગર કે રોડ ટેક્સ ભર્યા વગર બારોબાર જ ભંગારમાં વેચી દેવાયા હતાં. 13 વાહન એવા હતા કે એફિડેવિટ કરીને બારોબાર વેચ્યા હતાં. ગુજરાત મોટર વાહન અધિનિયમ 1958 તેમજ તે અંતર્ગત બનેલા નિયમો મુજબ બાકી રહેલા રોડ ટેક્ષ પર દર માસે 1.5 ટકા વ્યાજ લેવા પાત્ર થાય છે.

જેથી બાકી રોડ ટેક્ષની રકમમાં પણ વધારો થઇ રહ્યો હોવાથી આરટીઓ વિભાગ દ્વારા વાહન માલિકને બાકી રોડ ટેક્ષ ભરવા તેમજ રજિસ્ટ્રેશન રદ કે નામ ફેરની કાર્યવાહી પૂર્ણ કરવા જણાવ્યું છે. આ સાથે જો ટેક્સ નહીં ભરે તો આગામી દિવસોમાં બાકી રહેલા મોટર વાહન રોડ ટેક્ષ સંબંધિત મોટર વાહન માલિકની મિલકત ઉપર બોજો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.

કાયદેસરની કાર્યવાહી કરાશે
દાહોદ જિલ્લામાં એ કેટેગરીમાં આવતાં 1 લાખ કે તેથી વધુ રૂપિયા વધુ ટેક્સ બાકી છે તેવા 180 વાહનો છે. જેમના નામે ટેક્સ બાકી બોલે છે તે વાહન માલિકોને ટેક્સ ભરી જવા જાણ કરી દેવાઇ છે. રોડ ટેક્સની વસુલી માટે તેમની મિલ્કત ઉપર બોજો નખાશે અથવા તેમની પાસે બીજુ વાહન હશે તે ડિટેઇન કરાશે. ટેક્સ નહીં ભરે તો કાયદેસરની કાર્યવાહી કરશે . સી.ડી પટેલ, એઆરટીઓ, દાહોદ

રોડ ટેક્સ ઓન લાઇન પણ ભરાય છે
રોડ ટેક્સ રાજ્યના પરિવહન વિભાગની વેબસાઈટ ઉપર ઓન લાઇન પણ ભરી શકાય છે. જ્યાંથી વાહન ખરીદવામાં આવે છે. વાહન નોંધણી નંબર અને ચેસીસ નંબર દાખલ કરીને બધી વિગતો ભર્યા પછી, ચુકવણીનો મોડ પસંદ કરીને ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. વાહન માલિક સ્થાનિક RTOની પણ મુલાકાત લઈ રોડ-ટેક્સ ફોર્મ ભરીને ટેક્સની રકમ જમા કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...