તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીમંધર અન્નકુટ સેવા સમિતિનું કાર્ય:દાહોદમાં પર્યુષણ પર્વે રોજ 150 કિલો લોટ-ગોળની રોટલી પશુઓને પીરસાય છે

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પશુઓને ખવડાવવા માટે બનાવાઇ રહેલી રોટલી - Divya Bhaskar
પશુઓને ખવડાવવા માટે બનાવાઇ રહેલી રોટલી
  • 45 કિલોની રોટલી ત્રણ ગૌશાળા અને 105 કિલોની રોટલી શહેરમાં રખડતા પશુઓને ખવડાવાશે

દાહોદમાં આત્માને શુદ્ધ કરવા જરૂરી ઉપક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાના શ્વેતાંબર જૈન સમાજના પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે દાહોદ શહેરમાં આ પર્વ દરમિયાન સતત નવ દિવસ સુધી જપ-તપ સાથે પૂણ્યનું ભાથુ બાંધવા માટે મુંગા પશુઓની જઠરાગ્નિ ઠારવાનું નક્કી કર્યુ છે. જેમાં પર્વ દરમિયાન દરરોજ દોઢસો કિલો લોટ અને ગોળની રોટલી બનાવી ગૌશાળા સાથે શહેરમાં રખડતા પશુઓને ખવડાવવાનું નક્કી કરી તેનો પ્રારંભ પણ કરી દેવાયો છે.

દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં પશુઓને રોટલી ખવડાવતા સમીતીના સભ્યો.
દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં પશુઓને રોટલી ખવડાવતા સમીતીના સભ્યો.

દાહોદ શહેરમાં શ્વૈતાંબર જૈન સમાજના પર્યુષણ પર્વનો પ્રારંભ થતાં સમાજજનો ભક્તિમાં લીન બન્યા છે. પર્વ દરમિયાન સીમંધર અન્નકુટ સેવા સમીતીના 35 સભ્યોએ મુંગા પશુઓને દરરોજ ગોળ સાથેની રોટલી ખવડાવવાનું નક્કી કરાયુ હતું. તેના ભાગ રૂપે નવ દિવસ સુધી દોઢસો કિલો લોટમાં 15 કિલો ગોળ ભેળવીને રોટલી બનાવવાનું કાર્ય પ્રથમ દિવસથી જ શરૂ કરી દેવાયુ છે.

આખો દિવસ આ રોટલી બનાવવાનું કાર્ય ચાલે છે. સાંજના સમયે દાહોદ શહેરમાં આવેલી ત્રણ ગૌશાળામાં 15-15 કરીને 45 કિલો લોટની બનેલી રોટલી આપવામાં આવે છે. જ્યારે બાકી 105 કિલો રોટલી દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતાં મુંગા પશુઓને સમીતીના સભ્યો દ્વારા ખવડાવવામાં આવે છે. આ સેવાકિય કાર્યથી સમીતીના સભ્યોની શહેરમાં સરાહના થઇ રહી છે.

સેવાના ભાગ રૂપે કાર્ય કરાય છે
કોવિડના સમયમાં સમીતીએ હોમક્વોરન્ટાઇન અને દવાખાનામાં દાખલ દર્દી અને તેમના સગાઓ માટે ટીફીનની સેવા આપી હતી. ત્યારે પર્વ દરમિયાન સેવાના ભાગ રૂપે ગાયોને રોટલી ખવડાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. ગૌશાળા ઉપરાંત શહેરમાં ફરીને રખડતા પશુને રોટલી ખવડાવવામાં આવે છે.ગોળ વાળી રોટલી ગાયને ખવડાવવાથી વધુ પૂણ્ય મળતુ હોવાથી આ નિર્ણય લેવાયો હતો. >રીન્કુભાઇ ભંડારી, કાર્યકર,સીમંધર અન્નકુટ સેવા સમીતી

અન્ય સમાચારો પણ છે...