તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપીંડી:રૂ.35 લાખની લાલચે મહિલાએ ઠગોને નવ દિવસમાં 4.48 લાખ આપી દીધા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝાલોદની મહિલાએ ગઠિયાએ કહ્યું તેમ9 દિ’ સુધી એકાઉન્ટમાં રૂપિયા નાંખ્યા

ઝાલોદમાં જીઓ સીમ કાર્ડ પર 35 લાખની લોટરી લાગી હોવાનું જણાવનાર ભેજાબાજોના જાળમાં ફસાયેલી એક મહિલાને 4.48 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. મહિલાને છેતરાયાનો અહેસાસ થતાં પોલીસનું શરણું લીધુ હતું. ઝાલોદ નગરના માંડલી ફલિયામાં રહેતાં રાબીયાબેન કોડીલાને તેમના જીઓ સીમ નંબર ઉપર રૂપિયા 35 લાખની લોટરી લાગી હોવાનો ગઠિયાઓએ મેસેજ કર્યો હતો. આ મેસેજથી ભોળવાઇ ગયેલા રાબીયાબેને ગઠિયાઓ સાથે સંવાદ સાધતા તેમણે વોટ્સએપ નંબર ઉપર બેંકની વીડીયા ક્લીપો તેમજ ફોટાઓ મોકલી આપ્યા હતાં.

વિવિધ બહાના હેઠળ ગઠિયાઓએ રાબિયાબેન પાસેથી જુદી-જુદી તારીખોમાં 4.48 લાખ રૂપિયા વિવિધ એકાઉન્ટમાં નખાવ્યા હતાં. રૂપિયા આપ્યા છતાં તેઓ લોટરીના રૂપિયા મળવાની બાંહેધરી આપીને બહાના હેઠળ હજી રૂપિયાની માગણી કરતા હોવાથી રાબીયાબેનને ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે રાબીયાબેનની ફરિયાદના આધારે ઝાલોદ પોલીસે જે એકાઉન્ટમાં રૂપિયા નખાયા હતા તે એકાઉન્ટ ધારકો અખીલેશ યાદવ, સંજીતકુમાર, દિલીપકુમાર, એમ.ડી અબુબકર અને કલેશકુમાર સામે છેતરપીંડી અંગેનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

9 દિ’માં મહિલાએ રૂપિયા નખાવી લીધા
મહિલાને વાક ચાતુર્ય માં ફસાવી લીધા બાદ 17મે ના રોજ પ્રથમ 2000 નાખ્યા હતા.17મેથી માંડીને 25મેના સમયગાળામાં પ્રથમ 2000 બાદ 35000, 45000, 18000, 9000, 10000, 60000, 65000, 9000, 36000, 30000, 20000, 15000 રૂપિયા મળીને કુલ 4.48 લાખ વિવિધ 5 ખાતામાં નખાવી લીધા હતા.

કરિયાણાની દુકાને મજૂરી કરતા પુત્રે ના પાડી હતી
મહિલાને જ્યારે 21મેના રોજ લોટરી લાગ્યાંનો ફોન આવ્યો હતો ત્યારે તેણે કરિયાણાની દુકાને મજૂરી કામ કરતા પુત્રને વાત કરી હતી. જોકે બીજી વખત ફોન આવતા અભાવથી રૂપિયાની લાલચમાં આવીને મહિલાએ પુત્રની જાણ બહાર ગઠિયાઓના એકાઉન્ટમાં રૂપિયા નાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...