• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In 4 Seats Out Of 6 In Dahod District, BJP Repeated All Four Candidates From Last Time, Kokdu Was Confused In Garbada, Jhalod.

ભાજપે મૂરતીયા જાહેર કર્યા:દાહોદ જિલ્લાની 6 પૈકી 4 બેઠક પર ભાજપે ગત વખતના ચારેય ઉમેદવારને રિપીટ કર્યા, ગરબાડા, ઝાલોદમાં કોકડુ ગુંચવાયું

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં દાહોદ વિધાનસભામાં સમાવેશ કુલ છ બેઠકોમાંથી ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામ ચાર ઉમેદવારોને ભાજપે રિપિટ કર્યા છે. દાહોદ જિલ્લાની વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે દાહોદ જિલ્લાની કુલ છ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીમાં તમામ બેઠકો પરથી કેટલાય ચુંટણી વાંચછુઓએ ટિકિટ મેળવવા માટે દાવેદારી નોંધાવી હતી. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ વિધાનસભામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા પૈકી ફતેપુરા, લીમખેડા, દાહોદ અને દેવગઢ બારીઆ વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામા આવ્યાં છે.

ફતેપુરા બેઠક પર દંડક રિપીટ
ફતેપુરા બેઠક પર રમેશ કટારા જેઓ સીટીંગ ધારાસભ્ય છે. તેઓને રીપીટ કરવામા આવ્યાં છે. તેઓ ગત વખતે ફક્ત 2997 મતથી જ વિજેતા થયા હોવા છતાં ભાજપે તેમનામા ફરીથી વિશ્વાસ મુક્યો છે. આ બેઠક પર કોંગ્રેસના રઘુ મછાર કે જેઓ ગત વખતે પણ ઉમેદવાર હતા તેમની સાથે જ સીધો જંગ છે.

દાહોદમાં કનૈયાલાલને ફરી કમળ ફળવાયું
બીજી તરફ દાહોદ વિધાનસભા માટે કનૈયાલાલ કિશોરીને આ વખતે ફરીથી ટિકિટ આપી છે. 2017માં તેઓનો 15,503 મતથી પરાજય થયો હતો. કોંગ્રેસે આ બેઠક પર ગુરુવાર સાંજ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી. આમ આદમી પાર્ટીએ ડો દિનેશ મુનિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે, આ વખતે દાહોદ તાલુકા પંચાયત, નગર પાલિકા અને જિલ્લા પંચાયતમાં 90 % બેઠકો ભાજપના કબજામા છે અને કેટલાય પાયાના કોંગ્રેસીઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.
દેવગઢ બારીઆમા બચુભાઈ ત્રીજી વખત લડશે
દેવગઢ બારીયા બેઠક પર પણ વર્તમાન ધારાસભ્ય બચુભાઈ ખાબડને ત્રીજી વાર રીપીટ કરવામાં આવ્યાં છે. તેઓ ગત ચૂંટણીમા 45,000 કરતા વધુ મતોથી ચુંટાઈ આવ્યાં હતા. કોંગ્રેસે હજી સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી. જ્યારે આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ભારતસિંહ વાખળા આપમા જોડાઈ જતા તેમને ઉમેદવાર બનાવ્યાં છે.

​​​​​​​લીમખેડામાં સાંસદના ભાઈ શૈલેષભાઈ ફરી મેદાનમાં
​​​​​​​
લીમખેડા વિધાનસભામાંથી આ વખતે સીટીંગ ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરને ફરીથી ટિકિટ ફાળવવામાં આવી છે. તેઓ સાંસદ જશવંતસિંહ ભાભોરના સગા નાના ભાઈ છે. સાંસદના સગા સંબંધીઓને ટિકિટ ન આપવાની જાહેરાત છતા કોઈક રાજકીય અથવા જીતની ગણતરી સાથે તેમને ફરી ઉમેદવાર બનાવ્યા હોવાનું કહેવાઈ રહ્યુ છે. અહી તેઓની સીધી સ્પર્ધા કોંગ્રેસના રમેશ ગોંદિયા સાથે છે. આપના કોઈ ઉમેદવાર જાહેર કરાયા નથી.

ગરબાડા,ઝાલોદના ઉમેદવારોની જાહેરાત બાકી
​​​​​​​
દાહોદ જિલ્લા વિધાનસભાની કુલ છ બેઠકો પૈકી ચાર બેઠકોમાં ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે હવે ઝાલોદ વિધાનસભા અને ગરબાડા વિધાનસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત બાકી છે. ટૂંકા દિવસોમાં જ આ વિધાનસભાના ઉમેદવારો ના નામ પણ જાહેર કરી દેવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા પણ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...