ચૂંટણીને લઈ પ્રતિબંધો જાહેર:દાહોદ જિલ્લામાં મતગણતરી સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે મહત્વના આદેશો કરાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુકાયા જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા ખોરવાય તેવું ભાષણ ન કરવા બાબતે સૂચના અપાઈ શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું સાધન- સ્ફોટક પદાર્થ લઇ જવા પર પણ પ્રતિબંધ મુકાયો જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી અપાઈ

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા. 19 ડિસેમ્બરે તેમજ મતગણતરી તા. 21 ડિસેમ્બરનાં રોજ યોજાશે. આ મતગણતરીના સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિપૂર્ણ રીતે મતગણતરી થઇ શકે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી.પાંડોરે એક જાહેરનામા થકી મહત્વના આદેશો કર્યા હતા.

આ સ્થળોમાં દાહોદ તાલુકામાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે, ગરબાડા તાલુકામાં મોડેલ સ્કુલ ખાતે, ઝાલોદમાં સરકારી વિજ્ઞાન કોલેજ, ઝાલોદ, ફતેપુરામાં શ્રી આઇ.કે. હાઇસ્કુલ ખાતે, સંજેલીમાં તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી ખાતે, લીમખેડામાં મોડેલ સ્કુલ, પાલ્લી ખાતે, સીંગવડમાં મામલતદાર કચેરી, આઇટીઆઇ બિલ્ડીંગ ખાતે, ધાનપુરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે, દેવગઢ બારીયામાં મોડલ સ્કુલ ખાતે મતગણતરી યોજાશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા મુજબ, મતગણતરીના સ્થળેથી 200 મીટરની ત્રિજયામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એક સ્થળે ભેગા થવું નહી કે અવરજવર કરવા પર પ્રતિબંધ મુકાયો હતો. ઉપરાંત તમામ મતદાન ગણતરી સ્થળે શસ્ત્રો, દંડા, તલવાર, ઘોકા, બંદુક, છરો, લાકડી કે લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું સાધન લઇ જવા પર, કોઇ પણ ક્ષયકારી પદાર્થ કે સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા પર, પથ્થર અથવા ફેંકી શકાય તેવી બીજી કોઇ પણ વસ્તુઓ ફેકવાના-ધકેલવાના યંત્રો લઈ જવા પર, મનુષ્યોની આકૃતિઓ, શબો અથવા પુતળા દેખાડવા પર પ્રતિબંધ મુકાયો હતો. આ સિવાય અપમાનિત કરવાના અથવા જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા પર, બિભત્સ ગીતો ગાવા પર અને ટોળામાં ફરવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો. વધુમાં જેનાથી સુરૂચી-નીતિનો ભંગ થાય તેમજ જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા ખોરવાય તેવું ભાષણ ન કરવા પર સૂચના અપાઈ હતી. તેમજ તેવા હાવભાવ કરવા પર, તેવી ચેષ્ટા કરવા પર તથા તેવા પત્રકો, પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પણ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવા, બતાવવા અને ફેલાવવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામામાં જણાવાયું હતું કે સરકાર દ્વારા અધિકૃત કરેલી સરહદોને ઓળંગવાનો પ્રયત્ન કરવો નહી. સરકારી મિલકતો-વાહનોને નુકશાન પહોંચાડવું નહી કે પહોંચાડવાનો પ્રયાસ કરવો નહી. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...