દાહોદ શહેર અને જિલ્લાના નાગરિકોને દીપાવલી પર્વની શુભકામના પાઠવતા જિલ્લા પોલીસ અધીક્ષક હિતેશ જોયસરે દિવાળીનું પર્વ સારી રીતે, સુરક્ષિત રીતે અને કોવીડ એપ્રોપ્રિએટ બિહેવિઅર સાથે મનાવવા અપીલ કરી છે. એસપી જોયસરે જણાવ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારી દરમિયાન દાહોદના નાગરિકોનો અદ્દભૂત સહયોગ મળ્યો છે. આવા જ સહયોગની અપેક્ષા આ દિવાળીના પર્વમાં નાગરિકો પાસેથી છે. કારણ કે, હજુ કોરોના ગયો નથી અને તેની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા છે.
દાહોદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી છે અને તેમાં નાયબ પોલીસ અધીક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ સપરમા દિવસોની શાંતિથી ઉજવણી કરવા જણાવવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, સુપ્રિમ કોર્ટના આદેશને પગલે ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેમાં દિવાળીના પર્વમાં ફટાકડા ફોડવા માટે સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. જાહેરમાં કોઇ સ્થળે ફટાકડા ફોડવાના નથી. રાત્રે આઠથી દસ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.
આ બાબતનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જોયસરે કહ્યું કે, દિવાળી પર્વની ઉજવણી કોઇની પણ ધાર્મિક, સામાજિક લાગણી ના દૂભાઇ એ રીતે કરવાની છે.
દિવાળી પર્વે બહાર ફરવા જતા પહેલાં પોલીસ મથકે અરજી કરી દેવા અપીલ
દિવાળી પર્વમાં બહાર ફરવા જનારા નાગરિકો પોતાનું સરનામું નજીકના પોલીસ સ્ટેશનને સાદી અરજી સાથે આપતા જાય એવો અનુરોધ કરતા એસપીએ કહ્યું કે, બહાર ફરવા જનારા પરિવારના બંધ મકાનના વિસ્તારમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવશે. વેકેશન દરમિયાન બંધ શાળા કોલેજો કે અન્યશૈક્ષણિક સંસ્થાનો અંગે જે તે ગામના સરપંચો, ફળિયાના વ્યક્તિઓને વિશેષ સચેત રહેવાની અપીલ કરાઇ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.