પ્રથમ વખત લૂંટના કેસમાં ગુજસીટોક:13 જિલ્લાના 26 પોલીસ મથકોમાં 35 ગુના કરનાર 5 સામે ગુનો નોંધાયો; પંચેલામાં ટોળકીએ 31 લાખની લૂંટ કરી હતી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધાડના ગુનામાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણની કલમો ઉમેરાઇ
  • પહેલીવખત લૂંટના કિસ્સામાં આ કાયદા હેઠળ ગુનો નોંધાયો

દેવગઢ બારિયા તાલકાના પંચેલા ગામે દોઢ માસ પહેલાં ભાજપ અગ્રણીના ઘરે લુટારુ ટોળકીએ 31 લાખના મુદ્દામાલની લુંટ કરી હતી. આ પ્રકરણમાં એલસીબીએ 5 લુટારુને પકડીને ચાર લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ પણ રીકવરણ કર્યો હતો.લુટમાં દસ લોકોની સંડોવણી સામે આવી હતી .ત્યારે આ ટોળકીના પાંચ સભ્યો સામે આખા રાજ્યમાં દાખલ થયેલા ધાડના ગુનાઓ જોતા ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણની કલમો ઉમેરો કર્યો છે. આખા ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત લુટારુઓ સામે આ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે પીઠા વિસ્તાર ફળીયામાં રહેતા ભાજપ અગ્રણી તથા ઘનશ્યામ હોટલના માલિક ભરતભાઇ રણછોડભાઇ ભરવાડના મકાનમાં તા.29 સપ્ટેમ્બરના મધ્યરાત્રે લુટારુ ટોળકી ત્રાટીકી હતી. ભરતભાઇને લાકડી મારી ઘાયલ કરી તેમજ પરિવારના અન્ય સભ્યોમાં ભય પેદા કરી ઘરની અંદરથી સોના - ચાદીના દાગીના ઘડીયાળ, મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 31,62,000 મત્તાની લુટ કરી ફરાર થઇ ગયા હતાં.

એસ.પી હિતેશ જોયસરના માર્ગદર્શનમાં દાહોદ એલસીબી પી.આઇ બી.ડી શાહ સહિતની ટીમે તલસ્પર્શી તપાસ બાદ ધાડ પાડનારા ખજુરીયા ગેંગના છ આરોપીઓને રોકડ રુપિયા 10 લાખના મુદ્દામાલ સાથે 14 દિવસ પહેલાં ઝડપી પાડ્યા હતાં. આ ટોળકીમાં દસ લોકોની સંડોવણી સામે આવી હતી. જોકે, આ દસ ધાડપાડુમાંથી આંમલી ખજુરિયાના જવસિંગ ઉર્ફે મનુ પલાસ,નિકેશ ઉર્ફે મુકેશ પલાસ, નરેશ મીનામા, ઝાબુનો દીલીપ બારિયા અને છરછોડાનો સુભાષ ઉર્ફે સોબાન ઉર્ફે લમ્બુ ભાભોરે એક સાથે મળીને રાજ્યમાં ચોરી, લુટ,ધાડના 35 ગુના આચર્યા હોવાનું સામે આવ્યુ હતું.

ગુનાઇત માનસિકતા ધરાવતા આ પાંચેય ટોળકી બનાવીને આતંક ફેલાવવાની વૃતિ વાળા હોવાથી આ ધાડમાં આખા રાજ્યમાં પ્રથમ વખત ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ (ગુજસિટોક)ની કલમોનો ઉમેરો કર્યો હતો.

બુધવારે કલમના ઉમેરાની દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી
તપાસ અધિકારી બી.ડી શાહે પાંચેય ધાડપાડુની વિગત મેળવ્યા બાદ એસ.પી હિતેશ જોયસરે ગોધરા પોલીસ મહાનીરીક્ષક એમ.એસ ભરાડાને પાસેથી ગુજસિટોક અંગેની કલમનો ઉમેરો કરવા માટેની પરવાનગી માંગી હતી. પરવાનગી મળી ગયા બાદ આ અંગેની દેવગઢ બારિયા કોર્ટમાં દરખાસ્ત કરાઇ હતી. કોર્ટે બુધવારે પરવાનગી આપી દેતા કલમનો ઉમેરો કરાયો હતો. હવે આ ગુનાની તપાસ લીમખેડા ડીવાયએસપી કાનન દેસાઇ કરશે અને તેમની પાસે વડોદરા ખાતે આવેલી ખાસ કોર્ટમાં કેસ ચાલશે.

સૌરાષ્ટ્ર, મહેસાણા, ખેડા, અમદાવાદ, ભરૂચમાં ગુના આચરી ચૂક્યા છે
ટોળકીના પાંચ સભ્યોએ ભેગા મળીને દાહોદ જિલ્લા સાથે જુનાગઢ, જામનગર, દેવભુમિ દ્વારકા, મોરબી, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, મહેસાણા, બોટાદ, ભરૂચ, અમદાવાદ ગ્રામ્ય, પંચમહાલ અને ખેડામાં ચોરી, લુટ અને ધાડના 35 ગુના આચર્યા હતાં.

પંચેલામાં લૂંટ કરનાર ખજુરિયા ગેંગનો ઇતિહાસ તપાસી ગુનો ઉમેરાયો હતો
પંચેલામાં લુટ કરનારી ખજુરિયા ગેંગનો ઇતિહાસ તપાસતાં તેમણે અત્યાર સુધી ટોળકી બનાવીને ગુજરાત રાજ્યના 13 જિલ્લામાં 26 પોલીસ મથકની હદમાં ચોરી, લુટ અને ધાડના 35 ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યુ હતું. જેથી આ લુટારુ ટોળકી સામે પંચેલાના દાખલ ધાડના ગુનામાં આ ગંભીર કલમોનો ઉમેરો કરાયો હતો.

6 માસ જામીનની સુનાવણી નહીં થાય, ગુનો સાબિત થતાં આજીવન કેદ થઇ શકે
સુધારેલા અધિનિયમ 2015 ગુજસિટોકની કલમોનો ધાડના ગુનામાં ઉમેરો થતાં આ આરોપીઓ આગોતરા જામીન માટે અરજી નહીં કરે, પકડાઇ ગયા બાદ છ માસ સુધી તેમના જામીનની કોઇ સુનાવણી નહીં થાય, ગુનો સાબિત થતાં આ લુટારુઓને ઓછામાં ઓછા દસ વર્ષ કે આજીવન કેદની સજા અને પાંચ લાખનો દંડ થઇ શકે છે.

રાજ્યમાં માત્ર 22 ગુનામાં આ કલમ લાગી છે
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી ખંડણી, અપહરણ અને એટીએસ દ્વારા દાખલ એક ગુનો મળીને કુલ 22 જેટલાં ગુનામાં ગુજસિટોકની કલમનો ઉપયોગ કરાયો છે. સંગઠીત થઇને આતંક ફેલાવતી લુટારુ ટોળકી સામે આ કલમનો ઉપયોગ કરાયો હોય તેવો આ રાજ્યનો પ્રથમ બનાવ છે.

અન્ય સમાચારો પણ છે...