દાહોદ જિલ્લાના મુખ્ય મથકથી પસાર થતા દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર બોરડી નજીક ગુડસ ટ્રેનના ટેન્કરમાંથી ગેસ ગળતર થયુ હતું. જેથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિત અગ્નિશામક દળના લશ્કરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સદનસીબે જાનહાનિ તેમજ મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન દિલ્હી-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.
ગેટ મેનની નજર ગેસ ગળતરના ટેન્કર પર પડી હતી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદથી પસાર થતો દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર બોરડી નજીકથી અત્યંત જ્વલનશીલ ગણાતા ગેસ ભરેલી ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી હતી. તે સમયે રેલવે ફાટક પાસે ગેટ મેનની નજર આ ગેસ ગળતરના ટેન્કર પડી હતી. જેથી રેલવે ગેટમેને સતર્કતા દાખવી બનાવની જાણ સેન્ટીંગ ટીમ તેમજ સ્ટેશન માસ્ટર સહીત રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરી હતી.
રેલ વ્યવહાર થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો
આ ગુડ્સ ટ્રેનને બોરડી પાસે ઉભી રાખી ગેસ ગળતર થતાં ડબ્બાને જુદું કરી લુપ લાઈન પર ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તેમજ અગ્નિશામક દળ તેમજ ફાયર સેફટી ટીમના લશ્કરો સહીત તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ દિલ્હી-મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો હતો. આ ગેસ ગળતર થતો અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ફાયર સેફટી ટીમ દ્વારા ગેસ ગળતર બંધ કરાતા તમામ પરિસ્થિતિઓ પુર્વવત થઈ હતી. જેથી રેલ વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.