રજૂઆત:સાંસદ સહિત ધારાસભ્ય, પાલિકા પ્રમુખના ગાંધીનગર ધામા

દાહોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં તોડી પડાયેલી 450 દુકાનોની વૈકલ્પિક વ્યવસ્થા માટે મુખ્યમંત્રીને રજૂઆત

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત રસ્તા પહોળા કરવા માટે શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશમાં 450 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે. તેના કારણે વેપારીઓ સામે જીવનનિર્વાહનો પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે. ત્યારે ઉકેલ માટે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, શહેર પ્રમુખ પ્રશાત દેસાઇ સાથે પાલિકાના કેટલાંક કાઉન્સિલર અને શહેર સંગઠનના પદાધિકારીઓ ગાંધીનગરમાં ધામા નાખ્યા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને દાહોદનાં વેપારીઓની મનોવ્યથા વર્ણવી હતી. આ સાથે સાંસદે રૂબરૂ પત્ર પણ પાઠવીને વેપારીઓ માટેની વૈકલ્પિક વ્યવસ્થાની માગ સાથે તેમાં આવતાં અવરોધ વહેલી તકે દૂર કરાય તેવી વિનંતિ કરી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હકારાત્મક વલણ દાખવતાં તમામે હાશ અનુભવી હતી. ​દાહોદ શહેરમાં હાલમાં રોડ અપગ્રેડેશનની કામગીરી અંતર્ગત રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. રસ્તાઓ પહોળા કરવા માટે તેની આસપાસ કરેલા કાચા પાકા દબાણો હટાવવા જરુરી હોવાથી શહેરમાં તેવા દબાણો હટાવી દેવાયા છે.

આ કામગીરી અંતર્ગત 450 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે જેમાં કેટલાયે પરિવારો રોજી રોટી વિહોણાં થઇ ગયા છે.તેવા પરિવારો સહિત તેમની સાથે કામ કરતા શ્રમિકો માટે પણ વિકચ સ્થિતિ આવી પડી છે ત્યારે હવે આ સળગતી સમસ્યા હલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

સાંસદે પત્રમાં શું જણાવ્યું ઃ ​દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતની ટીમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાઠવેલા પત્રમાં જણાવાયુ હતું કે, હાથલારીઓ અને કાચી કેબીનોમાં વેપાર કરતા પાલિકાના ભાડુઆતો તરીકે વેપાર કરતા હતા. 90 ના દાયકામાં તેમને પાકી દુકાનો નગર પાલિકા દ્વારા ફળવાઇ હતી. ત્યાર બાદ ગૌરવ પથ અને વિકાસ પથ દરમિયાન રોડ અપગ્રેડેશન થયા છે. ત્યારે હાલમાં રોડ અપગ્રેડેશનની કામગીરી અંતર્ગત 450 દુકાનો દુર કરાતા 70 વર્ષ જૂના દુકાનદારોનો પ્રશ્ન ગંભીર રીતે ઉપસ્થિત થયો છે. આ પ્રશ્નના નિરાકરણ માટે પાલિકાએ સંમત્તિ બતાવી છે ત્યારે પ્લોટોને વાણિજ્યિક હેતુ માટે ફેરફાર કરી આપવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી હતી.
સુખાકારીનું સમાધાન શોધવુ એ નૈતિક ફરજ
દાહોદ શહેરના વેપારીઓને ગંભીર અસર થઇ છે અને તેના નિરાકરણ માટે સ્થાનિક તંત્ર સાથે પહેલેથી જ વાતચીત ચાલી રહી હતી. હવે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી વહેલી તકે રોજગારીના ગંભીર પ્રશ્નનું નિરાકરણ કરવા વિનંતી કરી છે.શહેર તેમજ સંસદીય વિસ્તારના તમામ લોકોની સુખાકારી માટેનુ સમાધાન શોધવુ એ અમારી નૈતિક ફરજ અને જવાબદારીનો એક ભાગ છે. -જશવંતસિંહ ભાભોર, સાંસદ,દાહોદ