નજીવી બાબતે ધિંગાણુ:સીંગવડના વાલાગોટામાં વિવાદવાળી જમીનમાંથી પસાર થવાને લઈ મારામારી, ચાર લોકોએ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને માર મારતા ફરિયાદ

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારીયું, લાકડી જેવા મારક હથિયારો સાથે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ
  • ત્રણ વ્યકિતઓને ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ

દાહોદના સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જમીન સંબંધી મામલે મારામારીની ઘટના બની હતી. ચાર લોકોએ એકસંપ થઈ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને માર માર્યો હતો. શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી જાતિ અપમાની કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે નીચવાસ ફળિયામાં રહેતાં શૈલેષ સબુરભાઈ હઠિલા અને વાલાગોટા ગામે રહેતાં દલપત જુવાનસિંહ બારીયા આ બંન્ને પરિવારો વચ્ચે જમીન સંબંધી વિવાદ ચાલતો હતો. ત્યારે સવારના 10 વાગ્યાના આસપાસ દલપતભાઈ પોતાના પશુઓ લઈ વિવાદવાળી જમીનમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે શૈલેષભાઈના પરિવારની મહિલા સોનલબેને ત્યાંથી પસાર થવા માટે ના પાડી હતી.

ત્યારબાદ દલપતભાઈ, રણજીતભાઈ ઉર્ફે રંગીતભાઈ દલપતભાઈ બારીયા, કાળુભાઈ દલપતભાઈ બારીયા અને કનુભાઈ દલપતભાઈ બારીયાનાઓ પોતાની સાથે ધારીયું, લાકડી જેવા મારક હથિયારો સાથે સોનલબેન તથા તેમના પરિવારજનો પાસે દોડી આવ્યાં હતાં અને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.

શૈલેષભાઈ, સોનલબેન અને વિનોદભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જાતિ અપમાનીત શબ્દો બોલી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત શૈલેષભાઈ સબુરભાઈ હઠિલાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...