લૂંટનો ભેદ ઉકેલાયો:દેવગઢ બારીઆમાં પેટ્રોલપંપમાં મેનેજર સહિત ચાર શખ્સોએ જ લૂંટનું તરકટ રચ્યાનો ખુલાસો, ચારની ધરપકડ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંગત વપરાશમાં ખર્ચી નાખેલા નાણાં ચૂકવવા ન પડે તે માટે નાટક રચ્યાનો ખુલાસો

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં ગતરોજ એક પેટ્રોલ પંપ ઉપર ધોળે દિવસે લુંટની ઘટના બની હતી. અને જેમાં 11.84 લાખની લુંટ કરી લુંટારૂઓ નાસી ગયાંની ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં એક્શનમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

આ લુંટમાં ચાર જેટલા ઈસમો સંડોવાયેલા છે જેમાં પેટ્રોલ પંપ પર ફરજ બજાવતો મેનેજર સહિત ચાર જેટલા ઈસમોએ આ લુંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે અને ઉઘરાણીના પૈસા ચુંકવવા આ લુંટને અંજામ આપ્યો હોવાનું આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે ચારેય ઈસમોની અટકાયત કરી તેઓની પાસેથી રોકડા રૂપીયા 11,08,000 રીકવર કર્યાં છે.

ગતરોજ દેવગઢ બારીઆ નગરમાં આવેલ એસ્સાર પેટ્રોલ ઉપર ધોળે દિવસે લુંટને પગલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા દેવગઢ બારીઆ પોલીસને જરૂરી સુચનો અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જેમાં દેવગઢ બારીઆ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ આરંભ કર્યા હતો.

પ્રથમ પેટ્રોલ પંપ પર લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ ગ્રાહકોની અવર જવર હતી ત્યાર બાદ પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે ફરજ બજાવતો આબીદ અસદબીન અરબ (રહે. કસ્બા, દેવગઢ બારીઆ)ની ઓફિસની પણ તપાસ કરતાં અને સીસીટીવી ફુટેજ ચેક કર્યાં હતાં જેમાં પોલીસને કંઈક અજુગતુ લાગ્યું હતું અને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતાં કર્મચારીઓની પોલીસે પુછપરછ પણ કરી હતી. સમગ્ર મામલા બાદ પોલીસે પેટ્રોલ પંપના મેનેજર આબીદ અને આકાશભાઈ મુકેશભાઈ સંગાડા (રહે. ડાંગરીયા, દેવગઢ બારીઆ)ની પોલીસે સઘન પુછપરછ કરતાં બંન્ને પુછપરછ દરમ્યાન ભાંગી પડ્યાં હતાં અને તેઓએ આ લુંટને અંજામ આપવા કાવતરૂં રચ્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

ઉપરોક્ત બંન્ને ઈસમોના જણાવ્યાં અનુસાર, તેઓની સાથે બળવંતભાઈ સબુરભાઈ સંગાડા (રહે. ડાંગરીયા, દેવગઢ બારીઆ) કામ કરતાં હતાં તે સમયે તેઓએ કલેક્શનના પૈસામાંથી ઓછા પૈસા આપ્યાં હતાં .બાકીના નીકળતાં પૈસા તેઓએ ઉછીના લીધાં હતાં તે આપી દીધાં હતાં અને બાકી પૈસા વાપરી નાંખ્યાં હતાં અને પેટ્રોલ પંપના વાપરી નાંખેલ પૈસા આપવા માટે તેણે મેનેજરને વચ્ચે રાખી રોમી અગ્રવાલ પાસેથી રૂા. 9,00000 ઉછીના લીધાં હતાં.

જૈ પૈસાની બળવંતભાઈ પાસે ઉઘરાણી થતાં તેણે પોતાનું ખેતર વેચીને પૈસાની ભરપાઈ કરી દેશે તેમ જણાવ્યું હતું .અને તે પછી પંદર દિવસથી નોકરી ઉપર આવતો ન હોય અને હવે ઉછીના લીધેલા રૂપિયા હવે આપવા ક્યાંથી અને તેમ વિચારી મેનેજર મુંઝવણમાં મુકાયો હતો. આ દરમ્યાન શુક્ર - શનિવાર દરમ્યાન કલેક્શન થયેલ પૈસા ઉછીના લીધેલા હતાં અને વ્યક્તિને રૂા.9,00,000 આપી દીધાં હતાં ત્યાર બાદ રવિવારના રોજ સાંજના સમયે પેટ્રોલ પંપનો મેનેજર આબીદ, આકાશ, સલમાન સાકીરભાઈ અરબ (રહે. રાણીવાવ ધર્મશાળાની પાછળ, દેવગઢ બારીઆ) અને મૌહમદ ફૈજાન ઉર્ફે અરબાઝ શેખ નાઓએ મળી લુંટ કરવા સારૂં બે મોટરસાઈકલ લઈને આવી પેટ્રોલ પંપ ઉપર લુંટ કરવાનું કાવતરૂં રચી નાંખ્યું હતું. આમ, સમગ્ર મામલે પોલીસે આરોપીઓ પાસેથી રૂા. 11,08,000 રોકડા કબજે કર્યાં હતાં.

શું બન્યું હતું, કેમ લૂંટનું નાટક કરવું પડ્યું
પેટ્રોલ પંપ પર કામ કરતાં ડાંગરિયાના બળવંતભાઇ સબુરભાઇ સંગાડા ઉપર દેવુ હોવાથી તેણે પંપના કલેક્શનના રૂપિયાથી ઉધારી ચુકવી કાઢી બીજા રૂપિયા વાપરી કાઢ્યા હતાં. રૂપિયાની ઘટ પુરવા માટે પંપના કેશિયર આબીદે પોતાની મધ્યસ્થતામાં રોમી અગ્રવાલ પાસેથી બળવંતને રૂ. 9 લાખ ઉધાર અપાવી કેશ સેટલ કરી નાખી હતી.

બળવંતે ખેતર વેચીને રૂપિયા આપવાની બાંહેધરી આપી હતી. જોકે, ત્યાર બાદ બળવંતભાઇ છેલ્લા 15 દિવસથી નોકરી ઉપર જ આવતાં ન હતાં. બીજી તરફ રોમીભાઇ મેનેજર પાસેથી રૂપિયાની ઉધરાણી કરતો હતો. જેથી મુંઝાયેલા કેશિયર શુક્ર અને શનિવારની કેશમાંથી રૂ. 9 લાખ રોમીભાઇને આપીને લુટનું તરકટ રચી નાખ્યુ હતું. બાકીના 2 લાખ કર્મી સલમાન પોતાના ઘરે મુકી આવ્યો હતો.

બનાવમાં કોણે શું ભૂમિકા ભજવી
રોમીને 9 લાખ આપવાના હતાં જેથી આબીદ અરબે ફીલર તરીકે કામ કરતાં ડાંગરિયાના કર્મી આકાશ સંગાડાને પ્લાનમાં ભેળવ્યો હતો. આકાશે મિત્ર સલમાન અરબને પ્લાનમાં શામેલ કરી સલમાને લુંટનું નાટક કરવા જવા માટે ફૈઝાન અને તૌસીફ નામક યુવકોને તૈયાર કર્યા હતાં. ઓફીસમાં આવેલા ફૈઝાન અને તૌસિફ આબીદ પર મરચાની ભુકી નાખવાનું નાટક કરવા સાથે પહેલેથી કાઢી રાખેલું ડીવીઆર લઇને રવાના થયા હતાં. લુટારુનો પીછો કરવા નીકળ્યો હોવાનું જણાવી આકાશ બાકી બચેલા ~2,08,000 સલમાનના ઘરે મુકી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...