તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પૂર્વ કાઉન્સિલરોએ વેડફેલા પ્રજાના રૂ.35 લાખ પરત ચૂકવવાનો આદેશ

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દે.બારિયા પાલિકાના વાઇફાઇ ઝોનના ઠરાવમાં હાજર પ્રત્યેક પાસેથી રૂ.2,33,333 વસૂલાશે
  • જોગવાઇ ન છતાં વાઇફાઇ ઝોન માટે ચૂકવણું કર્યુ હતું : રૂપિયા વસૂલવા માટે ચીફ ઓફિસરે નોટિસો કાઢી

દેવગઢ બારિયામાં પ્રજાને ફ્રી ઇન્ટરનેટ સેવા મળે તે હેતુથી 35 લાખના ખર્ચે વાઇફાઇ ઝોન ઉભા કરાયા હતાં. જોકે, જોગવાઇ ન હોવા છતાં તેનો ખર્ચ 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાનો ઠરાવ કરાયો હતો. તત્કાલિન ચીફ ઓફિસરે આ મામલે પ્રાદેશિક કચેરીમાં અપીલ કરતાં સરકારી નાણાના દુરુપયોગ બદલ વાઇફાઇ ઝોન પાછળ કરાયેલો ખર્ચ તત્કાલિન પ્રમુખ અને સુધરાઇ સભ્યો પાસેથી વસુલવાનો હુકમ કરાયા બાદ વસુલાત માટેની નોટિસો નીકળી છે.

દેવગઢ બારિયા નગર પાલિકા દ્વારા 24 મે 2017ની સામાન્ય સભામાં વાઇફાઇ ઝોનની સર્વાનુમતે મંજુરી મેળવવામાં આવી હતી. તેમજ 36 લાખનો ખર્ચ પણ મંજુર કર્યો હતો. આ કામગીરીમાં પાલિકાના જુદા-જુદા વિસ્તારમાં વાઇફાઇના ટાવરો ઉભા કરીને લાઇનો ખેંચવામાં આવી હતી. જેમાં 35 લાખનો ખર્ચ થયો હતો. આ કામગીરી સરકારના ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત નગર પાલિકા વિસ્તારમાં પ્રજાને ફ્રી ઇન્ટરનેટ સેવા મળે તેમજ સુરક્ષા સેતુ અંતર્ગત સીસી ટીવી કેમેરા મુકી શકાય તે હેતુથી કરાઇ હતી.

જેમાં વાર્ષિક છ લાખ જેટલો ખર્ચ થતો હતો. જે વાઇફાઇ ઝોનના જુલાઇ માસમાં ‌‌‌BSNLમાં 66 હજારની રકમ ભરવાની થઇ હતી. 11 જુલાઇ 2018ના રોજ સામાન્ય સભામાં આ બાબતે ચર્ચા થતાં રકમ નહીં ભરી વાઇફાઇ ઝોન રદકરવાનું નક્કી કરાયુ હતું. આ રકમ 14 નાણાપંચની ગ્રાન્ટમાં ભરવાનો ઠરાવ કરાયો હતો. ચિફ ઓફિસરે આ ઠરાવને ગુજરાત નગર પાલિકા અધિનિયમ-1963ની કલમ 258 હેઠળ રિવ્યુમાં લેવાની અપીલ રજૂ કરી હતી. જે અપીલ પ્રાદેશીક કમિશ્નરની કોર્ટ વડોદરામાં દાખલ કર્યા બાદ સુનાવણી રખાઇ હતી.

આ અંગે 24 નવેમ્બર 2020ના રોજ તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ઓફિસરે સ્પષ્ટ જવાબ કર્યો હતો કે, રકમ 14માં નાણા પંચની ગ્રાન્ટમાંથી ભરી શકાય તેમ નથી. જેથી સ્વભંડોળમાંથી ભરવાની થાય પણ નગર પાલિકાની આર્થિક પરીસ્થિતિ સારી ન હોવાથી રકમ ભરી ન હોવાથી વાઇફાઇ ઝોન બંધ છે.

આ મામલે નગર પાલિકાઓના તત્કાલિન પ્રાદેશિક કમિશ્નર અને હાલના દાહોદના કલેક્ટર હર્ષિત ગોસાવીએ 24 મે 2017ના ઠરાવ રદ કરીને 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખર્ચ કરેલા નાણા સબંધિતો પાસેથી વસુલવાનો અને 11 જુલાઇ 2018ની સામાન્ય સભાના ઠરાવ નંબર 17-2ની અમલવારી મોકુફ રાખવાનો હુકમ કર્યો હતો. તેના આધારે દેવગઢ બારિયા નગર પાલિકાના ચીફ ઓફિસરે તત્કાલિક પ્રમુખ તેમજ સુધરાઇ સભ્યો પાસેથી સરખા ભાગે પડતાં 2,33,333 રૂપિયાની વસુલાત માટેની નોટિસો કાઢી હોવાનું જાણવા મળ્યુ છે.માલપુર ના પાંચ યુવાનો ના મહી નદીમાં ડૂબી જવાથી મોત થયા હતા.

828 યુઝરોએ મોબાઇલ અટેચ કર્યા હતા
બારિયામાં વાઇફાઇ ઝોનના ટાવરો ઉભા કરાયા બાદ જેટલો સમય ચાલુ રહ્યા તે દરમિયાન 828 યુઝરોએ મોબાઇલ અટેચ કર્યા હોવાનું તપાસ બાદ સામે આવ્યુ હતું.

નાણાંના દુરુપયોગનું તારણ કઢાયુ
અપીલની સુનાવણી બાદ હુકમમાં તારણ કઢાયુ હતું કે,વાઇફાઇ ઝોન બનાવવા દેવગઢ બારિયા નગર પાલિકાના 24 મે 2017ની સામાન્ય સભાના ઠરાવ 86-10થી સર્વાનુમતે મંજુર કરી 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી વાઇફાઇ ઝોનની લાઇનો તથા ટાવર નાખીને ચાલુ કરાયા હતાં. જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક સીએફસી/10/2015/813/બ, તારીખ 29 ફેબ્રુઆરી 2016માં આ હેતુનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેથી વાઇફાઇ ઝોન અંતર્ગત 11 જુલાઇ 2018ની સામાન્ય સભાના ઠરાવ નંબર 17-2થી બ્રોડ કનેક્શનના ખર્ચની ચર્ચા કરતાં વાઇફાઇ ઝોન રદ કરવા સર્વાનુમતે મંજુર કર્યુ હતું. જે સરકારના નાણાનો દુરુપયોગ કરેલાનું સ્પષ્ટ થાય છે.

અન્ય સમાચારો પણ છે...