ઝાલોદ તાલુકાની ધાવડીયા ચેકપોસ્ટ પરથી ડામરના ટેન્કરમાં ભરી વડોદરા લઇ જવાતો રૂ.17,87,828 રૂપિયાની દારૂની 402 પેટીઓ પોલીસે ઝડપી પાડી હતી. દારૂ અને ટેન્કર મળી 37,87,828 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નાસી ગયેલા ચાલક સામે ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હોળી, ધુળેટીના તહેવારને અનુલક્ષીને ગઇકાલે એલ.સી.બી તથા લીમડી પોલીસ મથકનો સ્ટાફ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પી.આઇ. ડામોરને બાતમી મુજબ ડામરના ટેન્કરમાં હરીયાણા બાજુથી ઇંગ્લીશ દારુ ભરી રાજસ્થાનમા પ્રતાપગઢ થઇ બાસવાડા, ભીલકુવા થઇ ઝાલોદ થઇ વડોદરા તરફ જનાર છે.
જેના આધારે પોલીસે ધાવડીયા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવ્યા મુજબનું ડામરનું ટેન્કર આવતાં તેને રોકવાનો સંકેત કરતાં ચાલક રસ્તાની વચ્ચેવચ ઉભુ કરી ગાડીમાંથી ઉતરી વાહનોના ટ્રાફીકનો લાભ લઇ અંધારામા નાસી ગયો હતો. ટેન્કરમાં તપાસ કરતાં ઇંગ્લિશ દારૂની પેટીઓ જોવા મળી હતી. જેમાં રૂ.17,87,328 રૂપિયાની ઇંગ્લિશ દારૂની 402 પેટીઓ જેમાં કુલ 13,860 બોટલો મળી આવી હતી. જથ્થો તથા ટેન્કર મળી 37,87,328 રૂપિાયનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ભરેલી ડામરનું ટેન્કર મુકી નાસી ગયેલા ચાલક સામે એલ.સી.બી.ના રવિન્દ્રભાઇ નાથાભાઇએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નાની અસાયડી -માતવા અને પાણીયાથી દારૂ જપ્ત
દાહોદ તાલુકાના નીમનળીયા થઇ માતવા જતા રસ્તા પર તુફાન ગાડીમાંથી રૂા. 1,93,104 ની ઇંગ્લિશ દારૂની 27 પેટીઓમાંથી કુલ 1296 બોટલો તથા ક્રુઝર ગાડી મળી રૂા. 3,68,104 નો મુદ્દામાલ સાથે ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામના ચાલક કમલેશ ભોદુ મીનામાને ઝડપી પાયલોટીંગ તથા મંગાવનાર માંડવ ગામનો રાહુલ કાળુ તડવી ફરાર થઇ ગયો હતો. દેવગઢ બારિયા તાલુકાના નાની અસાયડી ગામે જયેશ લક્ષ્મણ વણઝારાના ઘરમાંથી રૂ.77,149 રૂપિયાની ઇંગ્લિશ દારૂની 683 બોટલો ઝડપી હતી. પાણીયા ગામના ડુંગરી ફળિયાના મહેશ પ્રતાપ પટેલના ઘરમાંથી રૂા.14,286 ની 141 બોટલ દારૂ તથા બીયરનો જથ્થો મળ્યો હતો. જથ્થો પાલ્લી ગામના રાજુ મૂળા વણકરે આપ્યાનું મહેશ પટેલે પોલીસને જણાવ્યું હતું. દારૂનો જથ્થો લીમખેડા પોલીસ મથકમાં સુપ્રત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.