દાહોદની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં એસીબીએ સફળ ટ્રેપ કરી મહિલા જિલ્લા શિક્ષણાધિકારીને 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી પાસે પેન્શન કેસના કાગળોમાં કોઈ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ લાંચની રકમ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી ક્લાસ વન અધિકારીને આજે પોતાની કચેરીમાં જ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ડીઇઓ કચેરીમાં જ બિન્દાસત લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા
શિક્ષણ વિભાગના એક કર્મચારી નિવૃત્ત થવાના હતા.તેઓએ પેન્શન કેસમાં કોઇ પણ પ્રકારના નાણાં બાકી ન હોવાના પ્રમાણપત્રમાં જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેની સહી લેવાની હતી.આ સહી કરી આપવા માટે તેમણે ફરિયાદી પાસે રુ 10,000ની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી આ નાણાં આપવા માંગતા ન હોઇ તેમણે દાહોદ એસીબીમાં ફરિયાદ કરી હતી.તેના આધારે એસીબીના પી.આઇ. કે.વી.ડીંડોરની ટીમે છટકુ ગોઠવ્યુ હતુ.ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી ફરિયાદી સાથે લાંચ અંગેનો વાર્તાલાપ કરીને રુપિયા 10,000ની લાંચની માંગણી કરી સ્વીકારતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ
દાહોદ જિલ્લામાં મહિલા ક્લાસવન અધિકારી 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાતા એસીબીએ ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ એસીબીની કાર્યવાહીના પગલે જિલ્લામાં લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઈન્ચાર્જ DPEO મયુર પારેખને શિક્ષણાધિકારીનો વધારાનો હવાલો સોંપાયો
હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને ધોરણ 10માં ગણિતની પરીક્ષા છે ત્યારે જ જિલ્લા શિક્ષણાધિકારી પ્રામાણિક્તા અને કર્તવ્યનિષ્ઠાની પરીક્ષામાં નાપાસ થઇ ગયા છે.ત્યારે પરીક્ષાની અગત્યની કામગીરી પ્રભાવિત ન થાય તેના માટે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખને દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીનો વધારાનો હવાલો તાત્કાલિક અસરથી સુપ્રત કરી દેવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.