ફરિયાદ:નાની મંગોઇમાં પિતા-પુત્રીની હત્યા કરનારાને પેરોલ રજા મળતાં ફરાર

દાહોદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2004માં હત્યા કરી મૃતદેહ કૂવામાં ફેંકવાના ગુનામાં કોર્ટે આજીવન કેદ કરી હતી

દેવગઢ બારિયા તાલુકાના નાની મંગોઇ ગામે પિતા-પૂત્રી બેવડી હત્યામાં શામેલ યુવકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ યુવકની 10 દિવસની પેરોલ રજા મંજુર થતાં વડોદરાની મધ્યસ્થ જેલમાંથી મુક્ત કર્યા બાદ તે પરત ગયો ન હતો. ફરાર થઇ ગયેલા યુવક સામે જેલરે અંતે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દાહોદ.દેવગઢ બારિયા તાલુકાના નાની મંગોઇ ગામે 43 વર્ષિય પુના ગલા બારિયા તથા તેની પૂત્રી 9 વર્ષિય નયનાબેન બારિયા તેમના ખેતરમાં બનાવેલી ઓરડીમાં રાત્રે ખાટલો ઢાળી ઉંઘી રહ્યા હતાં. ત્યારે રાતના સમયે ગામના જ ભારત ઘુળા બારિયાએ પોતાના એક સાથીદાર સાથે મળીને અંગત અદાવતમાં કુહાડીના ઘા ઝીંકીને બંનેની હત્યા કરી નાખી મૃતદેહો કૂવામાં ફેંકી દીધા હતાં.

આ કેસ લીમખેડાની એડિશ્નલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ભારત બારિયાને દસ્તાવેજી તથા મૌખિક પુરાવાઓને ધ્યાને લઇને 2019માં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. ભારતને સજા કાપવા માટે વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેનો પરિવાર આણંદ જિલ્લાના દાગજીપુરા ખાતે શીફ્ટ થઇ ગયો હતો.

ભારતે હાઇકોર્ટમાં કરેલી અરજીના આધારે 8 સપ્ટેમ્બર 2022ના હુકમથી તેની દસ દિવસની પેરોલ રજા મંજુર કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરના રોજ તેને રજા ઉપર મુક્ત કરાયો હતો પરંતુ 14 ઓક્ટોબરે રજા પૂર્ણ થયા બાદ પણ તે જેલમાં પરત નહીં આવી ફરાર થઇ ગયો હતો. તપાસ છતાં તેનો કોઇ જ પત્તો નહીં મળતાં અંતે મધ્યસ્થ વડોદરા જેલના જેલરે ભારત સામે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...