અંતે પાપનો ઘડો ફૂટ્યો:ગર્ભવતી પત્નીને જીવતી સળગાવી CRPFનો જવાન 27ની ઉંમરે ભાગ્યો, 59 વર્ષની વયે પકડાયો, બે વાર લગ્ન પણ કર્યાં

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામસિંગ ડામોર, ઉંમર 59 વર્ષ. - Divya Bhaskar
રામસિંગ ડામોર, ઉંમર 59 વર્ષ.
  • દાહોદના અણિકાના CRPFના જવાનને પત્નીની હત્યામાં આજીવન કેદ થઈ હતી
  • પેરોલ રજા પર આવ્યા બાદ નાસી ગયો હતો: 30 વર્ષમાં બે લગ્ન કર્યાં
  • જવાને 5 લૂંટ-ધાડ પણ કરી, ઓળખ બદલી ઉમરગામમાં આશરો લીધો હતો

દાહોદ જિલ્લાના અણિકા ગામના CRPFના જવાને ગર્ભવતી પત્નીને જીવતી સળગાવતાં આજીવન કેદની સજા થઈ હતી. જેલથી પેરોલ ઉપર ઘરે આવેલા આ જવાને ફરાર થયા બાદ લૂંટ-ધાડના પાંચ ગુના આચર્યા હતા. આ સાથે ઓળખ બદલીને ઉમરગામના સોળસુંબામાં વસ્યા બાદ ત્યાં એક નહીં, પણ બે-બે લગ્ન કર્યાં હતાં. જમીનની દલાલીનો વ્યવસાય કરતો આ જવાન અંતે આધેડ વયે દાહોદ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની કુનેહથી 30 વર્ષ બાદ પુન: પાંજરે પુરાયો હતો.

આજીવન કેદની સજા ફટકારી હતી
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અણિકા ગામનો રામસિંગ ધનજી ડામોર CRPFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. 1987માં રજા પર ઘરે આવેલા રામસિંગે ચારિત્ર્યની શંકામાં જનતાબેન નામની તેની પત્નીને જીવતી સળગાવીને મોતને ઘાટ ઉતારી હતી. કેસ ઝડપી ચાલી જતાં છ માસમાં જ ગોધરા સેસન્સ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. વડોદરાની મધ્યસ્થ જેલમાં રખાયેલો રામસિંગ એક વખત પેરોલ પર ઘરે આવ્યા બાદ મુદત પૂર્ણ થતાં પાછો જેલમાં જતો રહ્યો હતો.

બીજા લગ્ન કરી ત્રણ સંતાનોનો પિતા બન્યો
સારા રેકોર્ડને કારણે વર્ષ 1990માં તે ફરીથી પેરોલ પર છૂટીને આવ્યો હતો, પણ આ વખતે તે જેલમાં ન જઈને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન ગુનાઇત માનસિકતા ધરાવતા લોકોના સંપર્કમાં આવતાં તેણે 1990માં જ ધાડના પાંચ ગુના આચર્યા હતાં. ત્યાર બાદ ભાગી છૂટી પોતાનું નામ બદલીને ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામના પુંડાવારી ફળિયામાં ભરત બારિયાના નામથી વસવાટ કર્યો હતો. 1993માં અહીં એક યુવતી સાથે લગ્ન કરતાં તે ત્રણ સંતાનોનો પિતા પણ બન્યો હતો. 2014માં પત્નીનું નિધન થતાં રામસિંગ ઉર્ફે ભરતે 2017માં ધરમપુરની એક મહિલા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. ગોધરા રેન્જના ડીઆઇજી એ.એસ ભરાડા અને એસ.પી હિતેષ જોયસરની સૂચનાના આધારે એલસીબી પી.આઇ બી.ડી શાહ, પેરોલ ફર્લો PSI એમ.આઇ. સિસોદિયા,પેરોલ ફર્લો સ્ટાફના ASI અંબાલાલ, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગણાવા, મહેશ ભગોરા અને કોન્સ્ટેબલ મુકેશ સંગાડાએ જેલ ફરારીઓને પકડવા પ્લાન ઘડ્યો હતો. તપાસમાં રામસિંગ ઉર્ફે ભરતના ઇનપુટ મળ્યા હતા. 27 વર્ષની ઉંમરે ફરાર થયેલા રામસિંગ ઉર્ફે ભરત 59 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ તેને સોળસુંબાથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. રામસિંગ સામે લૂંટ-ધાડના ગુના હોવાથી તેને હાલ ઝાલોદ પોલીસને સોંપવામાં આવ્યો છે.

ચારિત્રની શંકામાં પ્રથમ પત્નીને ગર્ભવતી હોવા છતાં જીવતી સળગાવી મૂકી હતી
રામસિંગના દાહોદ જિલ્લામાં જ લગ્ન થયા હતા. તેને વસ્તારમાં એક પુત્ર પણ હતો. CRPFમાં ફરજ બજાવતો હોવાથી 1987માં તે રજા પર ઘરે આવ્યો હતો. ત્યારે પત્નીને ગર્ભ રહેલો હોવાથી બાળક તેનું ન હોવાનું કહી તેણે ડખો ઊભો કર્યો હતો. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને રામસિંગે કેરોસીન નાખીને તેને જીવતી સળગાવી હતી. જોકે હત્યાને આપઘાતમાં ખપાવવાનો તેનો પ્રયાસ નિષ્ફળ રહેતાં અંતે તેને આજીવન કેદની સજા થઈ હતી.

પુત્રને આર્થિક મદદ કરવાની ભૂલ રામસિંગને ભારે પડી
ભૂતકાળને ભૂલીને રામસિંગે ભલે નવેસરથી જીવનની શરૂઆત કરી હતી, પરંતુ તે પોતાના પુત્રને ભૂલી શક્યો ન હતો. લાંબા સમય બાદ રામસિંગે પોતાના પુત્રનો સંપર્ક કર્યો હતો ત્યારે તેના પણ લગ્ન થવાના હતા. આર્થિક મદદ કરી પિતાની ફરજ પૂર્ણ કરવાનું નક્કી કર્યું, પરંતુ તે વતન જાય તો પોલ ખૂલે તેમ હતું, જેથી તેણે પુત્રને સંતરોડ બોલાવીને રૂપિયા આપ્યા હતા. દાહોદ પોલીસે પુત્રની આકરી પૂછપરછ કરતાં બંને વચ્ચે થયેલા સંવાદના આધારે લોકેશન મેળવીને અંતે ભરત જ રામસિંગ હોવાની ખાતરી થયા બાદ તેને ઝડપી લીધો હતો.

પિતાની ક્રાઇમ હિસ્ટ્રીથી અજાણ સંતાનો સ્તબ્ધ
ઉમરગામના સોળસુંબામાં હાલ જમીન દલાલ તરીકે પ્રખ્યાત રામસિંગ ઉર્ફે ભરતની પ્રથમ પત્ની અને તેનાં સંતાનો તેની ક્રાઇમ હિસ્ટ્રી વિશે કંઈ જ જાણતાં ન હતાં. પ્રથમ પત્નીનું તો નિધન થયા બાદ તેણે બીજા લગ્ન પણ કર્યા હતા. અચાનક રામસિંગ ઉર્ફે ભરત પોલીસના હાથે પકડાયા બાદ તેની સઘળી ગુનાહિત હકીકત સામે આવી હતી, જેને જાણતાં જ તેનાં સંતાનો અને પત્ની સ્તબ્ધ થઈ ગયાં હતાં.

રામસિંગ સામે કયા ગુના નોંધાયા
રામસિંગ સામે સૌપ્રથમ 1987માં પત્નીની હત્યા મામલે ઝાલોદમાં 89/87 નંબરથી 302 મુજબ ગુનો નોંધાયો હતો. બાદ 1990માં લૂંટ-ધાડના ગુના કરતાં ઝાલોદ પોલીસમાં જ 50,95,134,137 અને 144 નંબરથી પાંચ ગુના પણ દાખલ થયા હતા. જેલ ફરારી ગણી 1993માં ઝાલોદમાં જ 55/1993 નંબરથી ઇપીકો 224 મુજબ અને પેરોલ જમ્પ કરી હોવાથી 2003માં પણ 04/03 નંબરથી પ્રિઝનર્સ એક્ટ 51(એ), 51(બી) મુજબ ગુનો નોંધાયો હતો.

ઉમરગામમાં ભરત નારવી નામે નવી ઓળખ ઊભી કરી હતી
ઝાલોદ તાલુકાના અણિકા ગામના રામસિંગ ડામોર જેલમાંથી પેરોલ પર આવ્યા બાદ પરત ન જઈ ઉમરગામ ભાગી ગયો હતો. ત્યાં ભરત નારવી બારિયા તરીકે પોતાની નવી ઓળખ ઊભી કરી હતી. ઉમરગામ GIDCના ગેસ્ટહાઉસમાં પાંચ વર્ષ સુધી તેણે વોચમેનનું કામ કર્યું હતું. ત્યાર બાદ ત્યાં જ આવેલી અરિહંત કોયલમાં 13 વર્ષ સુધી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી હતી. આ નોકરી છોડ્યા બાદ સરીગામ રાષ્ટ્રીય મેટલ કંપનીમાં 2017 સુધી લેબર સપ્લાય કરવાનું કામ કર્યું હતું. આ દરમિયાન તેણે સોળસુંબા કંપનીમાં કામ કરતી એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેને વસ્તારમાં બે પુત્ર અને એક પુત્રી છે, જેમાંથી એક પુત્ર અને પુત્રીનાં લગ્ન પણ કરી દીધાં છે.

2017માં ધરમપુર બરોલિયા ગામની મહિલા સાથે ત્રીજા લગ્ન કર્યા
પત્નીના નિધન બાદ તેણે 2017માં ધરમપુર બરોલિયા ગામની મહિલા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. શાખ વધતાં જમીન દલાલીનો ધંધો કરવા સાથે હાલમાં તે સોળસુંબા ગામની ગુરુ રેસિડેન્સીમાં કરિયાણાની દુકાન પણ ચલાવતો હતો. જોકે તે દુકાન વેચી દીધા બાદ તે ફ્લેટમાં પુત્રોથી અલગ પત્ની સાથે રહેતો હતો. રામસિંગે ત્યાં ભરત બારિયાના નામે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશનકાર્ડ પણ બનાવડાવ્યાં હતાં. તેના આધારે તે મતદાન પણ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...