ફરિયાદ:ગ્રામ વિકાસ એજન્સીમાં 79.86 લાખની ઉચાપત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NRETP અંતર્ગત જમા થયેલી ગ્રાન્ટની આયોજનબદ્ધ ઉચાપત
  • દાહોદ તાલુકામાં ફરજ બજાવતાં 5 કર્મીઓ સામે ફરિયાદ

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોરમેશન પ્રોજેક્ટ (NRETP) અંતર્ગત જમા થયેલા ગ્રાન્ટના 79.86 લાખ રૂપિયાની દાહોદ તાલુકાના તત્કાલિન કરાર આધારિત કર્મચારીઓ દ્વારા અગાઉથી આયોજન કરી પરસ્પર એકબીજાને મદદરૂપ થઇ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કોઇપણ પ્રકારની પૂર્વ મંજુરી મેળવ્યા વગર ગ્રાન્ટના નાણાંનો હેતુ ફેર કરી હિસાબો તથા રેકડ રજીસ્ટર નિભાવ્યા વીના પોતાને આર્થિક લાભ મળે તેવા બદ ઇરાદાથી સરકારી ગ્રાન્ટના નાણાનો ખોટી રીતે ઉપયોગ કરી ઉચાપત કરવામાં આવી હતી. આ બાતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીની સુચના અને આદેશ મુજબ ઉચાપત કરનાર પાંચેય આરોપીઓ વિરૂદ્ધ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભારત સરકાર દ્વારા નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોરમેશન પ્રોજેક્ટ (NRETP) અંતર્ગત ગુજરાત સરકારના ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિ.ના આદેશ અનુસાર દાહોદ જિલ્લામાં ગત 23 માર્ચ’2020થી 2,54,64,432 રૂપિયાની ગ્રાન્ટ મહિલા ઉદ્યોગ સાહસિકો તથા મહિલા દ્વારા સંચાલિત ઉદ્યોગ વ્યવસાયને લાભ આપવાની સરતોને આધિન ફાળવવામાં આવી હતી. જે મુજબ દાહોદ તાલુકામાં 79,86,108 રૂપિયાની તાલુકા કક્ષાએ તાલુકા લાઇવલી હુડ મેનેજરને ફાળવણી કરવામાં આવી હતી.

આ યોજનાની કાર્યપધ્ધતિમાં નાણાનો ઉપયોગ માર્ગદર્શિકા મુજબ તથા ગ્રાન્ટ હુકમની સુચનાઓ મુજબ નિયત વહીવટી પ્રક્રિયા અનુસરીને કરવાનો હોય છે. આ યોજનાનો નાણાં ઉપયોગ અન્ય હેતુ માટે ખર્ચ કરી શકાતો નથી. જિલ્લા કક્ષાએ યોજનાના અમલિકરણ દેખરેખ અને મુલ્યાકન કરવાની મુખ્ય જવાબદારી જિલ્લા લાઇવલી હુડ મેનેજરની હોય છે. અને દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ ડીએલએમ તરીકે રાજેશભાઇ મોહનિયા તત્કાલિન સમયે ફરજ બજાવતાં હતા.

જ્યારે તાલુકા કક્ષાએ દાહોદ તાલુકામાં ટીએલએમ તરીકે અંજનાબેન મછાર આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે મેઘાબેન નલવાયા, દાહોદ તાલુકા સીએલએફ મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન મેડા, મંત્રી તરીકે લીલાબેન નીનામા હતા. આ તમામ કરાર આધારિત કર્મચારીઓએ એકબીજાના મેળાપીણામાં કોરોના કાળના સમયગાળા દરમિયાન માસ્ક બનાવવાના હેતુથી વાપરવામાં આવ્યા હોવાનું જણાવી યોજનાના નાણાંની ઉચાપત કરી હોવાનું તેઓના બેન્ક સ્ટેટમેન્ટમાં જણાઇ આવ્યું હતું. જેમાં આ પાચેય વ્યક્તિઓએ વર્ષ 2020થી 2021 દરમિયાન એકબીજાની મદદગારીથી 69,66,108 રૂપિયાનો ગેરકાદેસર રીતે ઉપાડ કરી ખોટી રીતે ઉપયોગ કરી ઉચાપત કરી હોવાનું તપાસ અધિકારીની તપાસ દરમિયાન જણાઇ આવ્યું હતું.

જેથી ઉચાપત કરનાર પાંચેય વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી સાથે ફરિયાદ દાખલ કરવાનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતાં વિભાગીય હિસાબનીસ હેમલરાજ લલિતકુમાર બારભાયાએ 79,86,108 રૂપિયાની ઉચાપત કરનાર રાજેશભાઇ મોહનિયા, અંજનાબેન મછાર, મેઘાબેન નલવાયા, ચંદ્રિકાબેન મેડા તથા લીલાબેન નીનામા વિરૂદ્ધ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આ કેસની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક જે.એ.બાંગરવા દ્વારા કરવામાં આવી રહી છે.

સંડોવણી જણાશે તો ધરપકડ કરાશે
નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોરમેશન પ્રોજેક્ટ યોજનામાં તત્કાલિન સમયે ફરજ બજાવતાં કર્મચારીઓ દ્વારા 79,86,108 રૂપિયાની ઉચાપત થઇ હોવાની ફરિયાદ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઇ છે. આ કેસની તપાસમાં વર્તમાન સમયમાં ફરજ બજાવતાં ડીએલએમ તથા એકાઉટન્ટના નિવેદન લેવામાં આવ્યા છે. સરકારની યોજનાનો મુળ ઉદ્દેશ શુ હતો તેમજ પોલીસ ફરિયાદમાં જણાવેલ આરોપીઓ દ્વારા યોજનાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. તે અંગેના રેકડ દસ્તાવેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તપાસ દરમિયાન આરોપીઓની સંડોવણી જણાઇ આવશે તો તેમની ધરપકડ કરાશે.>જે.એ.બાંગરવા, ડીવાયએસપી દાહોદ

અન્ય સમાચારો પણ છે...