દાહોદ શહેર સહિત જિલ્લામાં સોમવારે ધુમધામથી હોલિકા દહન કરવામાં આવ્યુ હતું. જિલ્લાના તાલુકા મથક અને વિવિધ ગામોમાં મૂહૂર્ત મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી. જિલ્લાના દેવગઢ બારિયા, લીમખેડા, ઝાલોદ, ફતેપુરા, સિંગવડ, ગરબાડા અને ધાનપુરના ગામે ગામ હોળીના ઢોલ ઢબુક્યા હતા અને લોકોએ ઉત્સાહ સાથે હોળી પર્વની ઉજવણી કરી હતી. હોળી પ્રાગટ્ય થતાં લોકોએ પ્રદક્ષિણા અને પૂજા કરી અબિલ ગુલાલની છોળો તેમજ વિવિધ રંગોના સથવારે એકબીજાને રંગી લોકો રંગમય બન્યા હતાં. ધુળેટીની ધુમધામથી ઉજવણી કરવામાં આવશે.
દાહોદ શહેરમાં 180 સ્થળે હોળી પ્રગટાવાઇ હતી.જેમાં 150 સ્થળે ઇકોફ્રેન્ડલી હોળીનું આયોજન કરાયુ હોવાનું પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રીએ જણાવ્યુ હતું. તહેવારે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માંટે પોલીસને પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ફ્લેગમાર્ચનું પણ આયોજન કરાયુ હતું. હોળી-ધુળેટીની ઉજવણી બાદ જ દાહોદ જિલ્લામાં મેળાઓનો પ્રારંભ થશે. આખા જિલ્લામાં ચુલ, ચાડિયા, ગોળગધેડાના મેળા યોજવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, શહેર સહિત જિલ્લામાં કેટલાંક લોકોએ મંગળવારના રોજ હોળી પ્રગટાવવાનો નિર્ણય લીધો હોવાનું પણ જાણવા મળ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.