ધરપકડ:બાઇક ચોરીની E-FIRની તપાસમાં કિશોર ઝડપાયો, ઘરમાં ગોદડા નીચે બાઇક - મોપેડ સંતાડી દીધુ હતું

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં ઇ એફઆઇઆરનો પ્રથમ કિસ્સો

દાહોદ શહેરમાં પ્રથમ ઇ-એફઆઇઆર દાખલ થવા સાથે જ બી ડિવિઝન પોલીસની તપાસમાં શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં રહેતો એક કિશોર ચોરીની બાઇક અને મોપેડ સાથે ઝડપાઇ ગયો હતો. કિશોરે પોતાના ઘરના ગોદડાઓ નીચે આ બાઇક અને મોપેડ સંતાડી રાખી હતી. બી ડિવિઝન પોલીસે કિશોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રકુમાર કીશનલાલ ચૌહાણે તથા અંબીકાનગરામાં રહેતા રુપીન્દ્રકૌર વિશાલરાવ ભોસલેએ પોતાનુ વાહન ચોરી થયાની 25મી તારીખે મોબાઇલ એપ્લીકેશન દ્વારા E-FIR કરી હતી.

જેથી દાહોદ એસ.પી. બલરામ મીણાએ E - FIR મળ્યેથી તાત્કાલીક અસરથી ફરીયાદીનો સંપર્ક કરી વિગતો ચકાસી FIR રજીસ્ટર કરવા તેમજ ડિટેક્શન માટે કડક સુચના આપી હતી. સુચના આધારે એએસપી જગદીશ બાંગરવાના માર્ગદર્શનમાં પીઆઇ કે.ડી ડિંડોરે તાત્કાલિક ફરિયાદનો સંપર્ક કર્યા બાદ ગુનો દાખલ કરાવ્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકની ટીમ કામે લાગતાં દાહોદ શહેરના કસ્બા ઘાંચીવાડા વિસ્તારમાં રહેતો એક કિશોર રડારમાં આવ્યો હતો. તેના ઘરે છાપો મારતાં કિશોરને ઘરમાં ગોદડા નીચે બાઇક અને મોપેડ સંતાડી રાખેલા જોવા મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

તપાસ કરતાં જીજે-20-ઇ-2211 નંબરની સ્પલેન્ડર ગોદીરોડના અગ્રેસન ભવન પાસેથી અને જીજે-20-એએ-1672 નંબરની એક્ટિવા અંબીકા નગરથી ચોરાયેલી જણાયુ હતું. કિશોરની પુછપરછમાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. બંને વાહન જપ્ત કરવા સાથે કિશોરને હસ્તગત કરીને આગળની કાયદેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કઇ રીતે ભેદ ઉકેલાયો હતો
પી.આઇ કે.ડી ડિંડોરે પીએસઆઇ એસ.એન બારિયા તેમજ અ.હે.કો અમરસિંહ મડુભાઇ, અ.હે.કો અયુબભાઇ સીમોનભાઇ, અ.હે.કો દિનેશભાઇ માનસીગભાઇ, આ.પો.કો મહેશભાઇ તોફાનભાઇ, અ.પો.કો નિતેશભાઇ કનુભાઇ, અ.પો.કો અનિલકુમાર સોમાભાઇ, અ.પો.કો દિપકકુમાર મિનેશભાઇ અને પુનીતભાઇ સડીયાભાઇ ગરાસીયાની ટીમ બનાવી હતી. ગોદીરોડ સહિતના વિવિધ વિસ્તારના સીસી ટીવી કેમેરા ચેક કરતાં કિશોર શંકાસ્પદ હાલતમાં જોવાયો હતો. બંને વાહન મળ્યા બાદ પોકેટકોપની મદદથી ગુનો ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...