આદિવાસી સમાજની ગંગા સમાન ભીમકુંડમાં આજે આદિવાસી સમાજના લોકો એ સ્વજનોના અસ્થિ વિસર્જન કર્યા હતા. વર્ષ દરમિયાન જે સ્વજનો મૃત્યુ પામ્યા હોય તેમના અસ્થિ ફાગણ સુદ અગિયારસના દિવસે જ વિસર્જિત કરાય છે.
અસ્થિ ખાડો ખોદી દાટી દેવાયા બાદ ફાગણ સુદ દસમની રાત્રે જ બહાર કઢાય છે
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી 12 માં ની વિધિ પહેલાં હરિદ્રાર કે ચાણોદ અથવા અન્ય પવિત્ર સ્થળે નદીમાં મૃતકના અસ્થિ વિસર્જન માટે લોકો જતાં હોય છે પરંતુ દાહોદ જિલ્લાના ગરબાડાના કેટલાક વિસ્તારના આદિવાસી સમાજમાં વર્ષો થી ચાલી આવતી એક પરંપરા પ્રમાણે કોઈપણ સ્વજનનું મૃત્યુ થાય તો તેના અસ્થિ ઘરની આસપાસ ખેતરમાં ખાડો ખોદીને અસ્થિને સાચવીને દાટી દેવામાં આવે છે. આ અસ્થિ હોળી પહેલા દસમની રાત્રે સ્વજનો એકઠા થઈને બહાર કાઢી દૂધનો અભિષેક કરીને અગિયારસની વહેલી સવારે ઢોલ નગારા સાથે સબંધી ઑ ગરબાડા તાલુકાના રામડૂંગરા ખાતે આવેલા ભીમકુંડ માં અસ્થિ વિસર્જન કરે છે. તે પ્રમાણે આજે અસ્થિ વિસર્જિત કરાયા હતા. પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે. આદિવાસી સમાજના લોકો અગિયારસ પછી જેટલા પણ મૃત્યુ થાય તેમના અસ્થિ આગામી વર્ષ ની અગિયારસ સુધી સાચવી ને રાખે છે.
આ કુંડમાં ક્યારેય પાણી ખૂટતુ નથી
એક દંતકથા પ્રમાણે આ વિસ્તારમાથી પાંડવો પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાંડવો એ આ કુંડ માં સ્નાન કર્યું હતું અને કુંડની નીચે ઉંડી ગુફા પણ આવેલી છે તે સમય થી જ આ સ્થળનું નામ ભીમકુંડ પડ્યું છે. તેને ગંગાની જેમ પવિત્ર માનવમાં આવે છે અને આદિવાસી સમાજ સ્વજનોના અસ્થિ અહી જ વિસર્જન કરે છે. બીજી એક ખાસિયત એ રહેલી છે કે મોટા મોટા ડુંગરોની વચ્ચે આવેલ આ ભીમકુંડ માં બારેમાસ પાણી જોવા મળે છે સ્થાનિકો નું કહેવું છે કે અહી ક્યારેય પાણી ખૂટતું નથી આદિવાસી સમાજનું આસ્થા નું કેન્દ્ર રહ્યું છે ભીમકુંડ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.