વિકાસ વચ્ચે સુવિધાઓની માંગ:દાહોદ જિલ્લાના લીમખેડાના દુધિયાનો આદર્શ ગામ યોજના અંતર્ગત વિકાસ થયો છતાંય કેટલીક સુવિધાઓ અધૂરી

દાહોદએક મહિનો પહેલા
  • ગામને સાંસદે દત્તક લેતાં ગામને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ થઈ
  • રૂ. 3.40 કરોડના ખર્ચે સામુહિક કેન્દ્ર બનાવાયું, 66 કિલોવોટનું વીજ સ્ટેશન ઊભું કરાયું
  • નબળી કક્ષાના રોડ અને સફાઈની સમસ્યા, એક બસ સ્ટેશનની પણ માંગ
  • પોલીસ સ્ટેશનનું કામ પડે તો 15 કિમીનો ફેરો ખાવાની મજબૂરી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા ગામ દુધિયાને સાંસદે આદર્શ ગામ તરીકે દત્તક લીધુ હતું, ત્યારબાદ આ ગામનો વિકાસ થયો છે. તેમ છતાંય હજી પણ ગામમાં કેટલીક સમસ્યાઓ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ ચૂંટણીમાં ગ્રામજનો વિકાસને અનુલક્ષીને જ મતદાન કરશે તેવી ધારણાઓ સેવાઈ રહી છે.

ગામને જશવંતસિંહ ભાભોરે દત્તક લીધું હતું

આદર્શ ગામ દુધિયા ગ્રુપ ગ્રામપંચાયત છે. તેમાં 3 ગામનો સમાવેશ થાય છે - કોઠારા, દુધિયા અને હાંડી ફળિયા. નોંધનીય છે કે દુધિયા ઝાલોદ-લીમખેડા હાઇવે ઉપર આવેલું ગામ છે, જેમાં 8 ફળીયા આવેલા છે. દુધિયાને 2017-2018માં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે દત્તક લીધું હતું. નોંધનીય છે કે ગામને દત્તક લીધા પછી ગામમાં વિકાસના કામો થયા હતા.

રૂ. 3.40 કરોડના ખર્ચે સામુહિક કેન્દ્ર બનાવાયું

ગામની સુવિધાઓની વાત કરીએ તો ગામમાં આરસીસી રોડ, આરોગ્ય કેન્દ્રની સુવિધા છે. દુધિયામાં 40 ગામના લોકોને આરોગ્યની સુવિધા મળે તે માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના અથાગ પ્રયત્નથી રૂ. 3.40 કરોડના ખર્ચે અત્યાધુનિક સામુહિક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં 50 બેડની ઓક્સિજન સહિતની સુવિધા, લેબોરેટરી, એક્સ-રે જેવી અનેક સુવિધા મળે છે.

જેટકોનું 66 કિલોવોટનું વીજ સ્ટેશન ઊભું કરાયું

ઉપરાંત દુધિયા તેમજ આજુબાજુના 39 જેટલા ગામડાઓને 24 કલાક વિજ પુરવઠો મળી રહે તે માટે જેટકોનું 66 કિલોવોટનું વીજ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. ગામમાં વાસ્મો યોજના હેઠળ તેમજ નળ સે જળ યોજના અંતર્ગત ગ્રામજનોને ઘરે-ઘરે નળ કનેક્શનથી લોકોને પીવાનું પાણી મળી રહે છે.

નબળી કક્ષાના રોડ અને સફાઈની સમસ્યા

દુધિયા ગામની અંદર લાખોના ખર્ચે આર.સી.સી પાકો રોડ બનાવવામાં સંશોધનિય કારણોસર ગામના રસ્તા થોડી નબળી કક્ષાના બન્યા અને રોડ થોડા મહિનામાં જ જર્જરીત થઇ ગયો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ગામમાં 2 વાઈફાઇ ઝોન શરૂ કરવામા આવ્યા હતા. શરૂઆતમાં 1 વર્ષ સુધી વાઇફાઇ ઝોન સારા ચાલ્યા હતા. પરંતુ જેવો સાંસદનો દત્તક લીધાનો સમય પુરૂ થયો કે વાઇફાઇ ઝોનના કોન્ટ્રાક્ટર દ્વારા વાઇફાઇ ઝોનનો ટાવર ઉખેડી લેવામાં આવ્યો હતો. જેથી ગ્રામજનો હવે ક્યારે વાઇફાઇ ઝોન પાછો શરૂ થશે તેવી આશ લગાવીને બેઠા છે. ગામમાં મુખ્ય સમસ્યા સફાઇની છે, ગામમાં પંચાયત દ્વારા દરરોજ સફાઇ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. દુધિયા ગ્રામપંચાયત જે ગ્રુપ ગ્રામ પંચાયત તરીકે ચાલે છે, તેનું વિભાજન કરવાની પણ માંગ ઉઠી છે.

ગામમાં એક બસ સ્ટેશનની પણ માંગ

4200ની વસ્તી ધરાવતા દુધિયા ગામમાં સુવિધા તો બધી જ છે. પરંતુ ગામમાં હજી સુધી પોલીસ ચોકી નથી. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા પોલીસ ચોકી શરૂ કરાતી નથી. દુધિયાના કોઇ વ્યક્તિને પોલીસ સ્ટેશનનું કામ પડે તો 15 કિમી દૂર બાંડીબારનો ધક્કો ખાવો પડે છે. દુધિયા ગામમાં એક બસ સ્ટેશનની પણ માંગ છે. દુધિયા ગામમાં હજી સુધી બસ સ્ટેશન નથી. ગામમાં બસ સ્ટેશન ના હોવાના કારણે હાલ જે બસો છે એ હાઇવે ઉપર જ ઉભી રહે છે.

અન્ય સમાચારો પણ છે...