યોજનાનું દૂધ પાણીમાં:ફતેપુરાના પાટી ગામના તળાવમાંથી દૂધ સંજીવની યોજનાના પાઉચ મળી આવતાં ચકચાર

દાહોદએક મહિનો પહેલા
  • જિલ્લામા છાશવારે આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે છતાં તપાસના નામે મીંડુ કોન્ટ્રાક્ટર કે કર્મચારીઓ જવાબદાર છે તે તપાસનો વિષય

આદિવાસી બાળકો ને કુપોષણ મુક્ત કરવા માટે સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે. જેમાં બાળકોને પૌષ્ટિક અને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. પરંતુ ફતેપુરા તાલુકાના મોટા ભાગના ગામોમાં આંગણવાડીના બાળકો સુધી આ દૂધ પહોંચતું નથી. ફતેપુરાના પાટી ગામમાં આ યોજનાના દૂધના પાઉચ તળાવમાંથી મળી આવતાં કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની કામગીરી સામે ઘણા પ્રશ્નાર્થ સર્જાયા છે.

બાળકોને દૂધ પહોંચાડવાના બદલે દૂધને તળાવ કે નદીમાં ફેંકી દેવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આંગણવાડી કેન્દ્રમાં ભણતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય જળવાય તેમજ તેઓ નિરોગી રહે અને કુપોષિતતા દૂર થાય તે માટે સંજીવની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના આદિવાસી જિલ્લાઓમાં અમલમાં મુકવામાં આવી હતી. ત્યારે આજે મંગળવારે સવારે ફતેપુરા તાલુકાના અંતરિયાળ ગામ પાટી ગામના તળાવ ફળિયામાં દૂધના પાઉચ તળાવમાં ફેંકી દીધેલા મળી આવ્યા છે.

દૂધ સંજીવનીમાં દૂધ પૂરું પાડનારા ખાનગી કોન્ટ્રાક્ટર અને કંપની કે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દૂધ પહોંચાડવામાં આવતું નથી કે કોઈ અન્ય કારણોસર આવી ઘટનાઓ બની રહી છે તેવા પ્રશ્નો સ્થાનિકોના મનમાં ઉદભવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...