અકસ્માતનો ભય:દાહોદના સ્માર્ટ સીટી રસ્તામાં ટ્રક ફસાયાના 5 દિવસ બાદ પણ ખાડો

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રક ફસાયાના 5 દિવસ બાદ પણ ખાડો પુરવાની તસ્દી લેવાઇ નથી. - Divya Bhaskar
ટ્રક ફસાયાના 5 દિવસ બાદ પણ ખાડો પુરવાની તસ્દી લેવાઇ નથી.
  • રસ્તા પર લાઇટ ન હોવાથી અકસ્માતનો ભય : ડિવાઇડર પર લાઇટની માંગ
  • આ જ રસ્તે કેન્દ્રીય વિદ્યાલય, પોલીસ મથક તેમજ પ્રસિદ્ધ મંદિરોએ જવાય છે

સ્માર્ટ સીટી અંતર્ગત આખા દાહોદ શહેરમાં વિવિધ વિકાસ કામો થઇ રહ્યા છે. ત્યારે આ અંતર્ગત કરાયેલા કામમાં પાંચ દિવસ પહેલા ટ્રક ફસાઇ ગઇ હતી. ત્યાં હજી સુધી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડો પુરવઠાની તસ્દી લેવાઇ નથી. તેમજ આ રસ્તા ઉપર કેન્દ્રીય વિદ્યાલય, તાલુકા પોલીસ મથક તેમજ પ્રસિધ્ધ મંદિરો આવેલા હોવાથી લોકોની અવરજવર વધુ હોય છે પરંતુ આ વિસ્તારમાં લાઇટના અભાવે રાત્રીના સમયે લોકોને અકસ્માતનો તેમજ કોઇ અનિચ્છનિય બનાવ બનવાનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે સ્માર્ટ સીટી અંતર્ગત આ રસ્તા ઉપર લાઇટના વ્યવસ્થા કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

રસ્તા વચ્ચે ડીવાઇડરમાં લગાવેલા છોડવાનો પણ ઉછેર થયો નથી.
રસ્તા વચ્ચે ડીવાઇડરમાં લગાવેલા છોડવાનો પણ ઉછેર થયો નથી.

સ્માર્ટ સીટી તરીકે આકાર પામી રહેલા દાહોદનાં ખડખડ પંચમ રસ્તે વાહનો ફસાવવાના બનાવો ઉપરાછાપરી વધતા જાય છે. ત્યારે ગોધરા રોડ ખાતે કેન્દ્રીય વિદ્યાલયની સામે વિકાસકામો અંતર્ગત ખોદકામ કરેલા રસ્તામાં પુરણી અને ડામરીકરણ વ્યવસ્થિત રીતે ન કરાતા પાંચ દિવસ પૂર્વે તા.16 જુલાઈના રોજ સાંજના સમયે અનાજ ભરેલી એક ટ્રક ફસાઈ ગઇ હતી. આ રસ્તો સતત ધમધમતી હોવા છતાં ટ્રક ફસાયાની પાંચ દિવસે પણ હજી સુધી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા ખાંડનું પુરણી કરી તેને વ્યવસ્થિત કરવાની તસ્દી પણ લેવામાં આવી નથી.

ત્યારે હજી આનાથી મોટા કોઈ અક્સ્માતની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમજ આ જ રસ્તા ઉપર કેન્દ્રીય વિદ્યાલય, તાલુકા પોલીસ મથક, ગાયત્રી મંદિર અને શહેરનું પ્રસિધ્ધ જૂનું પૌરાણિક ચામુંડા માતાનું મંદિર આવેલું હોઇ રાતદિવસ લોકોની અવરજવર વધુ હોય છે.

ત્યારે આ રસ્તા ઉપર લાઇટના વ્યવસ્થા ન હોવાથી લોકોને અંધારામાં અકસ્માતનો તેમજ લૂંટ જેવો કોઇ અનિચ્છનિય બનાવ બનવાનો ભય પણ સતાવી રહ્યો છે. રસ્તા વચ્ચે ડિવાઇડર તો બનાવી દેવાયા છે પણ તેમાં લાઇટના થાંભલા નાખવાના સ્થાને એક વર્ષ પૂર્વે રોપા લગાવ્યા હતા તેનો પણ બરાબર ઉછેર થઇ શક્યો નથી. સ્માર્ટ સીટી અંતર્ગત આ રસ્તા પર ઠેકઠેકાણે લાઇટો નાંખે તેવી વિસ્તારના લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...