તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:5 વર્ષમાં 20 લાખનો ખર્ચ છતાં આ ચોમાસે પણ પ્રજાને પાણીમાંથી જ પસાર થવું પડશે

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદના હાર્દસમા સ્ટેશન રોડ પર ઇજનેરોની મથામણ છતા વર્ષોથી સમસ્યા અકબંધ : 4 ક્રોસિંગ કર્યા પણ પાણીનો નિકાલ જ નહીં
  • 4 વખત કામ હાથ પર લીધું પણ દર વખતે નિષ્ફળતા
  • આ વર્ષે સ્ટ્રોમ વોટરની કામગીરીની જોવાતી રાહ

શહેરનો સ્ટેશન રોડ દાહોદનું હાર્દ ગણાય છે પરંતુ દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ બાદ અહીંથી વાહનો પસાર કરવા એટલે લોઢાના ચણા ચાવવા સમાન હોય છે. અડધો ઇંચ વરસાદ પડે તેમાં શાળાઓ સામેના રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાઇ જાય છે. આ સમસ્યા વર્ષો જુની છે, પાલિકાના દરેક ઇજનેરે તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ થયા નથી. વર્ષ 2016થી અત્યાર સુધી આ સમસ્યાને દૂર કરવાના પ્રયત્નના ભાગ રૂપે 4 વખતમાં 20 લાખ રૂપિયા આશરાનો ખર્ચ કરી દેવાયો છે પરંતુ સમસ્યા જે સે થે છે.

સ્ટેશન રોડ ઉપર પાણીનો ભરાવો રોકવા માટે જુદા-જુદા સમયે કામગીરીના ભાગ અત્યાર સુધી એમ.વાય હાઇસ્કુલના ગેટ પાસે, ભરપોડા દવાખાના પાસે મળીને કુલ 4 ક્રોસિંગ બનાવી દેવાયા છે. ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી હતી તે સમયે વધુ ફોકસ અહીં કરાયુ હતું. જોકે, તે છતાય ચોમાસમાં પાણી ભરાવાનું બંધ થયુ ન હતું. પ્રિમોન્સુન કામગીરીના ભાગ રૂપે આ વર્ષે આ સમસ્યા પ્રત્યે કોઇ ધ્યાન અપાયુ નથી.

સ્ટેશન રોડ ઉપર સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલુ થશે તે વખતે સમસ્યાનું નિકારણ લાવવા માટે ફરી પ્રયાસ કરાશે તેવું જાણવા મળ્યું છે. જોકે, હવે સ્ટ્રોમ વોટરની કામગીરી ચોમાસા બાદ જ શરૂ થાય તેમ જોવાઇ રહ્યું છે. દર વર્ષ જેમ આ ચોમાસે પણ સ્ટેશન રોડ ઉપરથી પાણીમાં ગળાડૂબ કરીને વાહનો પસાર કરવાનો વારો આવે તેમ છે.

પ્રિમોન્સૂન કામગીરીમાં 2 લાખના ખર્ચે 4 મોટા નાળાની સાફ સફાઇ
દાહોદ શહેરમાં નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં સ્ટેશન રોડ ઉપર શાળા નજીક, મંડાવાવ રોડ, ભીલવાડા તળાવ ફળિયા અને ચાકલિયા રોડ પણદા ફળિયામાં આવેલા ચાર મોટા નાળાની સફાઇ કરવામાં આવી છે. આ કામગીરીમાં જેસીબી અને ટ્રેક્ટરો નગર પાલિકાએ પોતાના જ વાપર્યા હતા પરંતુ મજુરોની મજુરી પેટે બે લાખ આશરાનો ખર્ચ થયો હોવાનું જાણવા મળ્યુ છે

વધારે વરસાદ પડે તો તંત્ર પણ નિ:સહાય બની જાય છે
સ્ટ્રોમ વોટરના કામ વેળા લગોલગ જ અનુષાંગિક કામગીરીને કારણે આ વર્ષે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાનો મોટો પ્રશ્ન સર્જાય તેમ લાગતું નથી. જોકે તંત્ર ગમે તેટલી કામગીરી કરે પણ 24 કલાકમાં 5 થી 8 ઇંચ પાણી વરસે ત્યાં સુધીની જ વ્યવસ્થા થઇ શકતી હોય છે એટલે વધારે વરસાદ વરસે તો તંત્ર પણ નિ:સહાય બની જાય છે.-નવનીતકુમાર પટેલ, મુખ્ય અધિકારી દાહોદ પાલિકા

દાહોદ શહેરનું હાર્દ ગણાતા સ્ટેશન રોડનો સ્કુલ સામેનો ભાગ દર ચોમાસે પાણીમાં ગરકાવ થઇ જાય છે. પાણી નિકાલની આ વર્ષે કોઇ કામગીરી નહીં કરાતાં પ્રજાને પુન: ચોમાસામાં હાલાકી વેઠવી પડશે.

અન્ય સમાચારો પણ છે...