દાહોદ ખાતે વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ સવારથી જ ઝરમર વરસાદ આરંભાયો હતો. તા.19 જૂનથી દાહોદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. સતત ત્રણ દિવસથી શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદ વરસે છે. પરંતુ, જોરદાર પવન ફૂંકાતા મોટા વરસાદ બદલે મિની વાવાઝોડાની પરિસ્થિતિ થાય છે. જેના કારણે જમીનમાં યોગ્ય માત્રામાં પાણી નહીં પચતાં ખેડૂતો પણ બિયારણ ઓરવા બાબતે દ્વિધામાં મુકાયા છે.
ચોમાસામાં મોટો વરસાદ વરસવા બદલે શ્રાવણના સરવરિયાની જેમ વરસતા દર વર્ષની માફક વરસાદથી શહેરનો કચરો પણ વહી જવા બદલે ઉલટાંના ગટરમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો ઢગલા સ્વરૂપે પથરાતાં શહેરમાં દુર્ગંધ રેલાતી થઈ છે. રવિવારે બપોરે પણ મોટા ઉપાડે આરંભાયેલ વરસાદ મોટા વરસાદરૂપે વરસશે તેવી આશામાં ન્હાવા નીકળેલા અનેક લોકોને નિરાશ વદને માત્ર અમીછાંટણા જેવા વરસાદથી સંતોષ લેવો પડ્યો હતો.
દાહોદમાં ચાલતા વરસાદી પાણીની લાઈનના કે અન્ય કામોને લીધે ઠેકઠેકાણે રસ્તા ખોદાયા બાદ ઉપર પથરાયેલ માટીના થર કે ઢગલામાં વરસાદના લીધે કાદવ-કિચડનું સર્જન પણ જોવા મળ્યું છે. તો કેટલીક જગ્યાએ વાહનો પણ જમીનમાં ધસી જવાના બનાવ બન્યા હતાં. સોમવારે ગરબાડામાં 12 એમ.એમ, ઝાલોદ 02 એમ.એમ, દે. બારિયા 11 એમ.એમ, દાહોદ 13 એમ.એમ, ધાનપુર 05 એમ.એમ, લીમખેડા 13 એમ.એમ, સંજેલી 10 એમ.એમ, અને સીંગવડમાં 06 એમ.એમ વરસાદ નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.