દીપડાનો આતંક:સીંગવડના રાણીપુરામાં ઘરમાં ઉંઘી રહેલા વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો, મહિલાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી દીપડાએ અંદર પ્રવેશી મહિલાના હાથ પર પંજા માર્યા વનવિભાગની ટીમે દીપડાને પાંજરે પુરવાના ચક્રો ગતિમાન કર્યા

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રાણીપુર ગામે ઘરમાં મીઠી નિંદર માણી રહેલા એક 60 વર્ષીય વૃદ્ધ મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. જેથી મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. જેને ળઈ મહિલાને વડોદરાની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. દીપડાના હુમલાના પગલે વૃદ્ધાએ બૂમાબૂમ કરી મૂકતા દીપડો ભાગી ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક વનવિભાગને કરાતા તેઓ પણ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દિપડાને પાંજરે પુરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સીંગવડ તાલુકાના રાણીપુર ગામે રહેતા 60 વર્ષીય ભાભોર ભુરકિબેન ચુનિયાભાઈ આજે બુધવારે વહેલી સવારે 4 થી 5 ના સમયગાળા દરમિયાન પોતાના ઘરમાં ઊંઘી રહ્યા હતા. આ સમયે ઘરનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો, ત્યારે હિંસક દીપડાએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને નિંદર માણી રહેલા ભુરકિબેનને ઓઢી રાખેલી ગોદડી ખેચી હતી. ભુરકિબેનનો હાથ બહારના ભાગે નીકળતા દીપડાએ પંજા માર્યા હતા, તેમજ બચકા ભર્યા હતા. જોકે, ભુરકિબેને બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા. જેથી દીપડો નાસી ગયો હતો.

દીપડાના હુમલાના પગલે મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેઓને પ્રથમ દાહોદની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા અને ત્યાંથી ગોધરા લઈ ગયા હતા. જ્યાં ભુરકિબેનની સ્થિતિ નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક વનવિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં હાલ દીપડાને પાંજરે પૂરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...