ઉદ્ઘાટન:પીપલોદમાં રૂા.67.72 લાખના ખર્ચે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રા. પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ હતું. - Divya Bhaskar
નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રા. પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ હતું.
  • પોલીસ સ્ટેશનથી જનસલામતીમાં વધારો થશે
  • ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા

દેવગઢ બારીયાના પીપલોદ ખાતે રૂ. 67.72 લાખના ખર્ચે તૈયાર નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ સોમવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ હતું. આ પોલીસ સ્ટેશનમાં 16 ગામડાઓનો સમાવેશ થાય છે. ગૃહ રાજ્યમંત્રીએ આ વેળાએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોની સુરક્ષા-સલામતી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે દાહોદ જિલ્લાનું આ 18મું પોલીસ સ્ટેશન જનસુરક્ષામાં સમર્પિત છે. પીપલોદ પોલીસ સ્ટેશન એ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાંથી છૂટુ પાડવામાં આવ્યું છે અને તેમાં 16 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં 1 પીએસઆઇ, 4 એએસઆઇ સહિત કુલ 59નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નેશનલ હાઇ વે પણ પસાર થતો હોય આ વિસ્તારને વધુ સુરક્ષા બક્ષવા ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા આ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ મોટી ઝરી અને અસાયડી એમ બે આઉટ પોસ્ટ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ધાનપુરનાં દુધામલી ખાતે નવ ગામોના સમાવેશ કરતી આઉટ પોસ્ટ પણ તૈયાર કરવામાં આવશે અને 4 પોલીસકર્મીઓની નિમણૂક કરવામાં આવશે. જેનું જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ જણાવ્યું હતુ કે, દાહોદમાં પોલીસ રહેણાંક-આવાસના રૂ. 100 કરોડથી વધુના કામો પોલીસકર્મીઓની સુવિધાઓમાં વધારો કરશે. દાહોદ શહેરના સીસીટીવીને પણ પોલીસ સ્ટેશન સાથે સાંકળવામાં આવ્યા છે. પોલીસ મહેકમ વધારવાથી લઇને માળખાગત સુવિધાઓ-વાહનો વગેરેમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સાંસદ જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...