દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો:સંજેલીમાં દબાણ દૂર કરી રસ્તાની કામગીરી કરવા સ્થાનિક આગેવાનોની માંગ, DDOએ દબાણકર્તાઓને નોટિસ આપી ગુનો દાખલ કરવા સૂચના આપી

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક આગેવાન અને માજી ડેપ્યુટી સરપંચે દબાણો ખુલ્લા કરી રસ્તાની કામગીરી કરવા રજૂઆત કરી હતી
  • રસ્તાની કામગીરી શરૂ કરાતાં કામગીરી બંધ કરાવવા માટે રસ્તા પર જ સ્થાનિક આગેવાને ઇંટો ઠાલવી હતી
  • જિલ્લા વિકાસ અધિકારીએ રસ્તાની કામગીરીની સ્થળ મુલાકાત લઇ સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યો

સંજેલી તાલુકા સેવાસદનથી મુખ્ય માર્ગ અને પોસ્ટ ઓફીસ ચાલી ફળીયા કુંભાર ફળિયા સહિતના રસ્તાઓ ગટર સાથે મંજૂર કરાયા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા પોસ્ટ ઓફિસ ફળિયાની રસ્તાની કામગીરી હાથ ધરાતાં દબાણ દૂર કરી રસ્તો બનાવવા માટે વિવાદનો વંટોળ શરૂ થતાં છ માસથી રસ્તાની કામગીરી અટકી પડી હતી. જેની બે દિવસથી કામગીરી શરૂ થતા ફરી આજે વિવાદ શરૂ થતાં ડીડીઓએ તાલુકાની ટીમ સાથે સ્થળની તપાસ હાથ ધરી હતી અને વિવિધ સૂચનો કર્યા હતાં.

સ્થાનિક આગેવાનોએ તાલુકા-જિલ્લા મથકે રજૂઆત કરી

સંજેલી ગ્રામ પંચાયતમાં છેલ્લા બે વર્ષથી વિકાસ રૂંધાઈ રહ્યો છે. નગરમાં સ્ટ્રીટ લાઈટ રસ્તાઓ ગટર સ્વચ્છતા સહિતની અસુવિધાઓથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. સંજેલી તાલુકા સેવાસદનથી સંતરામપુર ચોકડી, ચાલી ફળિયું, તળાવ ફળિયું અને કુંભાર ફળીયા વિસ્તારમાં ગટર સાથેના રસ્તાઓ કરોડો રૂપિયાના ખર્ચે મંજુર થયા છે. જેના બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી ફળિયા (પોસ્ટઓફિસ) રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક આગેવાન અને માજી ડેપ્યુટી સરપંચ દ્વારા સરકારી જમીન પર થયેલા દબાણો ખુલ્લા કરી અને રસ્તાની કામગીરી કરવા માટેની તાલુકા-જિલ્લા મથકે રજૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ કામગીરીના સ્થળની મુલાકાત લીધી

જેના બાદ જે-તે સમયે જિલ્લા અધિકારી દ્વારા રસ્તાની કામગીરી બંધ કરાવી હતી. જેના કેટલાક મહિના બાદ ફરી બે દિવસ અગાઉ રસ્તાની કામગીરી શરૂ કરાતા વહેલી સવારે કામગીરી બંધ કરાવવા માટે રસ્તા પર જ સ્થાનિક આગેવાન દ્વારા રોડ પર ઇંટો ઠાલવી દેવામાં આવી હતી. ફરી વિવાદ સર્જાતા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ તાલુકા અધિકારી અને સરપંચની ટીમ સાથે પોસ્ટ ઓફિસ ફળિયામાં રસ્તાની કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી. સરકારી જમીન પર માથાભારે ઈસમો દ્વારા કેબીનો મૂકી અને ભાડે આપેલા હોવાને લઇને કેબીનોમાં ધંધો કરી રહેલા દુકાનદાર પાસે પહોંચી અને જિલ્લા વિકાસ અધિકારીએ જાતે તેમને દુકાન કોની પાસેથી અને કેટલામાં ભાડે લીધી છે કે કેમ? તે અંગે પણ જાત માહિતી મેળવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાને પગલે દબાણકારોમાં ફફડાટ

માથાભારે તત્વો દ્વારા સરકારી જમીન ઉપર કેબીનો મૂકી અને ભાડું વસુલતા હોવાનું ધ્યાને આવતાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા તાલુકા અધિકારીને નોટિસ ફટકારવાની અને દબાણો ખુલ્લા કરવા માટે જણાવ્યું હતું. જો કોઈ માથાભારે ઈસમો દબાણો ખુલ્લા ન કરે તો લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવા સહિતની તાલુકા અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ સૂચના અપાતાં દબાણકારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. સરપંચ તલાટી સહિત તાલુકા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...