પહેલવાનોનો પહેરો:દાહોદના ઝુસા ગામના સરપંચના ઉમેદવારે ચૂંટણી જંગમાં સ્વરક્ષણ માટે લાખોના ખર્ચે 20 બાઉન્સર ભાડે રાખ્યા

દાહોદએક મહિનો પહેલા
  • ગામમાં તેમને જીવનુ જોખમ હોવાનો અને અશાંતિનો ભય સતાવતો હોવાનો ગંભીર આક્ષેપ
  • ગોધરાની સિક્યુરિટી કંપનીમાંથી લાખોના ખર્ચે લાવેલા પહેલવાનોના પહેરા વચ્ચે ઉમેદવાર ફરે છે
  • પોલીસ વિભાગને પણ સિક્યુરિટી કંપનીએ સત્તાવાર રીતે જાણ કરી

દાહોદ જિલ્લામાં ગામડાઓમાં લાખો રુપિયાના ખર્ચ પંચાયતની ચૂંટણીમાં થાય છે. ત્યારે આ ચૂંટણીઓ સંવેદનશીલ પણ એટલી જ હોય છે. તેવા સમયે એક ખોબવા જેવડા ગામના સરપંચ પદનો ઉમેદવાર 20 જેટલા બાઉન્સર લઇને ચૂંટણી જંગમાં ઉતરે ત્યારે પંચાયતી રાજનુ કેટલુ મહત્વ છે તે સમજી શકાય તેવી બાબત છે. જિલ્લાના સંજેલી તાલુકાના ઝુસા ગામના સરપંચના ઉમેદવારે પોતાના રક્ષણ માટે 20 જેટલા બાઉન્સર રાખ્યાં છે. ​​​​દાહોદ જિલ્લો પછાત કહેવાય છે, પરંતુ તે જિલ્લામાં સત્તા મેળવવાની પરાકાષ્ઠા કેવી છે તે કેટલાક કિસ્સાઓ પરથી પુરવાર થઇ જાય છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનુ ઝુસા નાનકડુ ગામ છે અને આ ગામમાં પણ પંચાયતની ચૂંટણી છે. ત્યારે દાહોદ જેવા જિલ્લાની પંચાયતની ચૂંટણીઓ કેટલી સંવેદનશીલ હોય છે અને તેનુ મહત્વ કેટલુ હોય છે તે સ્પષ્ટ રીતે સમજી શકાય તેવુ ઉદાહરણ જોવા મળ્યુ છે.

આ ગામમાં સરપંચ પદના બે ઉમેદવાર છે, તેમાંથી એક ઉમેદવાર માનસીંગભાઇ કાનજીભાઇ રાવતે ખાનગી સિક્યુરિટીના 20 જેટલા બાઉન્સરો સ્વરક્ષણ માટે રાખ્યા છે. તેમના કહેવા મુજબ ગામમાં પ્રચારમાં સામા પક્ષેથી ધાક ધમકી આપવામાં આવી છે. આખી રાત વાહનો દોડાવાય છે ત્યારે તેમણે પોતાના ખર્ચે પોતાના બચાવ માટે આ સિક્યુરિટી રાખવાની ફરજ પડી છે.

ગામમાં તેમનો ઠાઠ જોઇને સૌ કોઇ આશ્ચર્યમાં પડી જાય છે અને તેમને આપેલી સિક્યુરિટીનો પત્ર પણ પોલીસ વિભાગને જાણ માટે આપવામાં આવ્યો છે. આ ઉમેદવારે પોતાની સિક્યુરિટી માટે એવન લાઇન સિક્યુરિટી નામની ગોધરાની સિક્યુરિટી કંપનીમાંથી આ બાઉન્સર રાખ્યા છે. ત્યારે તેનો ખર્ચ કેટલો થશે તે સમજી શકાય તેવી બાબત છે. ઉપરાંત ચૂંટણીમાં મતદાન માટે નાંણાની રેલમ છેલ થાય છે, તે અલગથી ખર્ચ થશે. ત્યારે આ આદિવાસી પછાત આને ગરીબ લેખાતા જિલ્લાની સાહેબી આવી ઘટનાઓ આપો આપ જ વર્ણવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...