ગ્રેમીમાં ગુજરાતનો ડંકો:દાહોદની પુત્રવધૂ અને હાલ ન્યૂયોર્ક ખાતે રહેતી ફાલ્ગુની શાહને ગ્રેમી અવૉર્ડ

દાહોદ6 મહિનો પહેલા
  • ફાલ્ગુની શાહને "અ કલરફુલ વર્લ્ડ" આલ્બમ માટે બાળગીતોની કેટેગરીમાં ગ્રેમી અવૉર્ડ પ્રાપ્ત થયો
  • 1959થી ચાલતા ખ્યાતનામ ગ્રેમી અવૉર્ડ માટે 2022ના સમારોહમાં એક મૂળ ગુજરાતીની પસંદગી થઈ

અમેરિકાના લાસ વેગાસમાં 64મા ગ્રેમી અવૉર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેમી અવૉર્ડ સંગીતનો ઓસ્કર અવૉર્ડ તરીકે લોકપ્રિય છે. ત્યારે ભારતીય ફાલ્ગુની શાહ આ વખતે ગ્રેમી અવૉર્ડ્સ જીતી છે. અવૉર્ડ શો દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો વીડિયો મેસેજ બતાવવામાં આવ્યો હતો. દાહોદના શાહ અને પેટ્રોલવાળા પરિવારના ડૉ.ગૌરવ શાહની પત્ની ફાલ્ગુની શાહની પસંદગી વિશ્વવિખ્યાત ગ્રેમી અવૉર્ડ માટે થતા દાહોદમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રવર્તી રહી છે.

મૂળ દાહોદના વૈષ્ણવ પરિવારના પણ વર્ષોથી ન્યૂયોર્ક ખાતે સ્થાયી થયેલા દાહોદના દિલીપભાઈ રસિકલાલ શાહ અને તેમનાં પત્ની લીનાબેન (દેસાઈ પેટ્રોલવાળા)ના 41 વર્ષીય પુત્રવધૂ ફાલ્ગુની દલાલ-શાહ જાણીતાં ગાયિકા છે. ફાલ્ગુની દલાલના નામે તેમના 'સ્મરણાંજલિ' સહિત અનેક સી.ડી.ના સંપુટ પ્રકાશિત થયા છે. કેન્સર નિષ્ણાત અને પોતે પણ ગાયક એવા પતિ ડો. ગૌરવ ડી. શાહ સાથે લગ્ન થયા બાદ ફાલ્ગુની દલાલ- શાહે અમેરિકા ખાતે સઘન ટ્રેનિંગ લઈ સંગીતની ધૂણી ધખાવી હતા.

અમેરિકાના વ્હાઈટ હાઉસમાં વર્ષ 2009માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના સન્માનમાં ઓબામા સરકાર વતી મિશેલ ઓબામા દ્વારા આયોજિત એક સમારંભમાં સુખ્યાત ભારતીય સંગીતકાર એ.આર.રહેમાનના સંગીત નિર્દેશનમાં ગાવા માટે ફાલ્ગુની શાહને પણ વિશેષ સ્થાન પ્રાપ્ત થયું હતું, એમાં તેણે પોતાની સૂરીલી પ્રસ્તુતિ દ્વારા સહુના મન મોહી લીધા હતા. ફાલ્ગુની શાહે અગાઉ ઓબામા સરકાર વેળા અમેરિકન સંસદમાં દક્ષિણ એશિયામાંથી પસંદ થનારી એકમાત્ર વ્યક્તિ તરીકે 'જનગણમણ' પ્રસ્તુત કર્યું હતું.

2019મા પ્રકાશિત થયેલા ફાલ્ગુની શાહના આલ્બમ ''ફાલુ'ઝ બાઝાર'' માટે તેમનું નામ દક્ષિણ એશિયામાંથી એકમાત્ર વ્યક્તિ તરીકે 61મા ગ્રેમી અવૉર્ડ કાજે નોમિનેટ થયું હતું અને રેડકાર્પેટ સન્માન પણ પ્રાપ્ત થયું હતું. જોકે એ વખતે તેઓ ગ્રેમી એવોર્ડથી વંચિત રહી ગયાં હતાં. મૂળ મુંબઈના અને દાહોદનાં પુત્રવધૂ એવાં શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રના ગાયિકા ફાલુ શાહનું નામ આ વખતે ફરી એકવાર 2021માં આવેલા "અ કલરફુલ વર્લ્ડ" આલ્બમ માટે નોમિનેટ થયું હતું. અમેરિકાના લાસવેગાસ ખાતે તા.3 એપ્રિલ, 2022ના રોજ યોજાયેલા 64 મા ગ્રેમી અવૉર્ડના કાર્યક્રમમાં પણ નોમિનેશન પ્રાપ્ત થયા બાદ બાળગીતો અર્થાત 'બેસ્ટ ચિલ્ડ્રન સોંગ' વિભાગ માટે તેમને સર્વાનુમતે ગ્રેમી અવૉર્ડ એનાયત કરાયો હતો.

ફાલ્ગુની ગૌરવ શાહને ગ્રેમી અવૉર્ડ એનાયત થતાં અમેરિકામાં રહેતા દાહોદવાસીઓમાં પણ ગૌરવની લાગણી છે‌. ઉલ્લેખનીય છે કે ફાલુ શાહે આ અગાઉ મુંબઈના રેડલાઈટ વિસ્તાર પર આધારિત ‘ફોરસ રોડ’ આલ્બમ કર્યું હતું, જે પણ 2013 માં ગ્રેમી અવૉર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ એ મુખ્ય નોમિનેશનમાં આવી શક્યું ન હોતું. તો હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ત્રણેય ભાષામાં આવેલાં 12 ગીતોના આલ્બમ ''ફાલુ'ઝ બજાર'' કે જે તેમના નાનકડા પુત્ર નિઝાદના બાળસહજ પ્રશ્નોમાંથી જન્મ્યું હતું, એ પણ બહોળી પ્રસિદ્ધિ પામ્યું હતું. એમાં ભાષા, ખાણીપીણીથી લઈને બાળકો દ્વારા પુછાતા જે-તે પ્રશ્નોના પોતાની રીતે સંગીતમય જવાબ સાથે રેઈનબોના સાત રંગોથી લઇ ભોજનમાં વપરાતાં મરચાં, હળદર જેવા મસાલા વિશે મળીને કુલ 12 ગીત ધરાવતા આ આલ્બમમાં બાળસહજ અનેક જિજ્ઞાસાઓ સંતોષાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...