દાહોદ શહેરને પાણી પુરૂ પાડતી કડાણા જળાશય આધારિત પાણીની પાઈપ લાઈનમાં ફતેપુરા નજીક ખોદકામ દરમ્યાન ભંગાણ સર્જાતા એક તરફ હજ્જારો લીટર પાણીનો વેડફોટ થયો છે. ત્યારે બીજી તરફ પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા દાહોદ શહેરનો પાણી પુરવઠો ખોરવાતા છેલ્લા આઠ દિવસથી દાહોદ શહેરનો ગોદીરોડ વિસ્તારમાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.
છાશવારે ભંગાણ સર્જાય છે,વીજ પુરવઠાની પણ સમસ્યા
દાહોદ શહેરને કડાણા જળાશય આધારિત 84 કિલો મીટર લાંબી પાઈપ લાઈનમાં ભાણાસીમળ, કુંડા અને આફવા ગામે સંપ દ્વારા લીફ્ટીંગ કરી દાહોદ શહેરને પાણી પુરૂ પાડવાની યોજના શરૂં થયા બાદ આ પાઈપ લાઈનમાં અવાર નવાર ભંગાણ સર્જાય છે.તેમજ વીજ પુરવઠો ખોરવાના કારણે અવાર નવાર દાહોદ શહેરને પાણી પુરવઠો ખોરવાઈ જાય છે. આમજ દાહોદ શહેરને ત્રણ દિવસે પાણી મળે છે તેમાંય અધુરૂંમાં પુરૂ કડાણા જળાશય આધારિત પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાવાથી દાહોદ શહેરનો પાણી પુરવઠો ખોરવાઈ જાય છે.
પાણીની સમસ્યા સામે બધા જ લાચાર
જેને પગલે છેલ્લા અઠવાડિયાનો સમય વિતી ગયાં બાદ પણ પાણી મળતુ નથી.કારણ કે આફવા ગામે કડાણાની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ભંગાણમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. ટેકનીકલ કારણના કારણે દાહોદને પાણી મળતું નથી ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં પાણીની વધુ પડતી જરૂર હોવાથી પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. લોકોને પાણી ન મળવાને કારણે ગોદી રોડ પર ટેન્કરો મારફતે લોકોને ઘરે પોતાના ખર્ચે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કડાણાનું પાણી આપવામાં ક્યાંકને ક્યાંક બિલંબ સહિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે જાણવા મળ્યાં અનુસાર, આફવા ગામે એક ખેતરમાં જેસીબીથી કામ ચાલતુ હતું તે દરમ્યાન કડાણાની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. કડાણા જળાશય આધારિત જે એજન્સી કામગીરી કરી રહી છે તેઓની કામગીરી નબળી હોવાને કારણે પાણી પુરવઠો ખોરવાઈ રહ્યો છે તેવા આક્ષેપો નગરપાલિકાના કાઉન્સીલર દ્વારા કરવામાં આવ્યાં હતાં.આ મામલે સાંસદ,ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી દાહોદ શહેરવાસીઓને રાબેતા મુજબ પાણી પુરવઠો મળી રહે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.