ઝળહળતી સફળતા:ખેલ મહાકુંભ સ્પર્ધામાં દાહોદનો ખેલાડી સફળ, 11 વર્ષના ખેલાડીએ 2 ગોલ્ડ મેડલ મેળવ્યાં

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભ-2022 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દાહોદના માત્ર 11 વર્ષના ખેલાડીએ ઝળહળતી સફળતા મેળવી. - Divya Bhaskar
ખેલ મહાકુંભ-2022 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દાહોદના માત્ર 11 વર્ષના ખેલાડીએ ઝળહળતી સફળતા મેળવી.
  • ધાનપુરના સંજય પટેલે સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અને 50 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ નંબર

ખેલ મહાકુંભ-2022 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દાહોદના માત્ર 11 વર્ષના ખેલાડીએ ઝળહળતી સફળતા મેળવી છે. એ પણ એક નહીં બે-બે ગોલ્ડ મેળવી અપાવીને. નડિયાદના રમત ગમત સંકુલ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દાહોદનાં સંજય ભુરાભાઇ પટેલે બે મેડલો પ્રાપ્ત કરીને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

સંજયએ સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અને 50 મીટર દોડમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ દરેક રમતમાં સંજયે જિલ્લા તેમજ મહાનગરોમાંથી આવેલા 84 જેટલા સ્પર્ધકોનો સામનો કરી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અદભૂત સફળતા મેળવી હતી. ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાઇ હતી.

અંડર 11 સ્પર્ધામાં દાહોદનાં સંજય પટેલે ભાગ લીધો હતો અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપમાં 2.49 મીટરનો કુદકો લગાવીને અન્ય સ્પર્ધકોને કયાંય પાછળ રાખી દીધા હતા. જ્યારે 50 મીટરની દોડ ફક્ત 7.44 સેકન્ડમાં પૂરી કરી છે. પાંચમાં ધોરણમાં ભણતો સંજય પટેલ માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.

અહીંના આચાર્ય ભારતસિંહ રાઠવા બાળપણથી જ તેના કોચ તરીકેની જવાબદારી નિભાવી હતી. ખેલમહાકુંભ અંતર્ગત દાહોદ જિલ્લામાં મોટા સંખ્યામાં ખેલાડીઓને રમત ગમત માટે શાળા કક્ષાએ થી જ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે અને ખેલાડીઓને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સંજય પટેલની આ સફળતા અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...