હોબાળો:દાહોદ નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યએ ભારે હોબાળો મચાવ્યો, ગણતરીની સેકન્ડોમાં સામાન્ય સભા સમેટાઈ

દાહોદ15 દિવસ પહેલા
  • ચાલુ પ્રસ્તાવના વચ્ચે પણ કોંગ્રેસના કાઉન્સિલર લક્ષ્મી ભાટે બોલવાનું ચાલુ રાખ્યું સભામાં 1થી 24 કામોના એજન્ડાને બહુમતીથી મંજૂર કરી દેવામાં આવ્યા લોકશાહીનું ગળુ દબાવવામાં આવે છે : લક્ષ્મી ભાટ સસ્તી પ્રસિધ્ધિ મેળવવાનો કીમિયો : પ્રમુખ રીના પંચાલ

દાહોદ નગરપાલિકાની આજે સોમવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યએ ભારે હોબાળો મચાવ્યો હતો. સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં સમેટાઈ જતાં વિપક્ષના કાઉન્સિલર દ્વારા વિવિધ આક્ષેપો કરાયા હતા.

દાહોદ નગરપાલિકાના સભાખંડમાં આજે સામાન્ય સભા મળતાં જ માહોલ ગરમાયો હતો. પ્રમુખે સભાની શરૂઆત કરતાં જ કોંગ્રેસનાં સભ્ય લક્ષ્મી ભાટે ઉભા થઈ ચર્ચા કરવા માંગણી કરી હતી. તે સમયે જ 1થી 24 કામોના એજન્ડાને બહુમતીથી મંજૂર કરી દેવામા આવ્યા હતા. ત્યારે સામાન્ય સભા શરૂ થતાં પ્રમુખ દ્વારા પ્રસ્તાવનાનો આરંભ કર્યા બાદ પણ પ્રસ્તાવના વચ્ચે કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા બોલવાનું ચાલુ રખાતાં પક્ષના નેતા દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી. તેમણે તેમને જણાવ્યું હતું કે, આપે જે બોલવું હોય તે પ્રસ્તાવના પુરી થઈ ગયાં પછી બોલજો. પરંતુ મહિલા કાઉન્સિલર દ્વારા ત્યારપછી પણ બોલવાનું ચાલુ રખાતાં સદસ્યોએ તમામ કામો એકસાથે સર્વાનુમતે મંજુર કરીને ગણતરીની સેકન્ડોમાં સામાન્ય સભા સમેટી લીધી હતી.

સામાન્ય સભા સમેટાઈ જતાં કોંગી મહિલા કાઉન્સિલર જમીન પર બેસી ગયા હતા. તેમણે આક્ષેપો કર્યા હતા કે તેમને બોલવા દેવામાં નથી આવ્યાં તેમજ લોકશાહીનું ગળુ દબાવવામાં આવે છે. જો કે એ સમય દરમિયાન કોંગ્રેસનું કોઈ સદસ્ય ત્યાં હાજર નહોતું. ત્યારે આ મામલે દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીના પંચાલના જણાવ્યા અનુસાર, સામાન્ય સભામાં દર વખતે અઠવાડીયા પહેલા એજન્ડા પહોંચી જતાં હોય છે. આજની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્ય દ્વારા સસ્તી પ્રસિધ્ધિ મેળવવા જે કૃત્ય કરવામાં આવ્યું છે, તે તેમની માનસિકતા બતાવે છે કે તેઓ નગર વિકાસના કામોમાં કેટલા સહયોગી બની શકશે. નોંધનીય છે કે સામાન્ય સભા દરમિયાન દાહોદ નગરપાલિકાના પ્રમુખે દધીચી ઋષીને યાદ કર્યાં હતાં. દધીચી ઋષીની તપોભુમી પર નવા ચીફ ઓફિસરનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...