દાહોદ જિલ્લામાં નેશનલ હાઇવે પર આવેલા વિવિધ એકમો હોટલ, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપ, સીએનજી પંપ, ધર્મશાળા, મંદિરો-મસ્જિદો, કોમર્શિયલ એકમો, ટોલ પ્લાઝા વગેરે ખાતે સીસીટીવી અનિવાર્યપણે લગાવવાનો આદેશ કલેક્ટર દ્વારા કરાયો છે. હાઇવે ઉપર ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ ન બને અને હાઇવે ઉપરનો પ્રવાસ સુરક્ષિત બને માટે આદેશ કર્યો છે.
દાહોદ જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 47 જે મધ્યપ્રદેશ રાજ્યની હદથી પંચમહાલ જિલ્લાની હદ સુધી જોડાયેલો છે અને લંબાઇ 70 કિમી જેટલી છે. તેમજ ઝાલોદથી મધ્યપ્રદેશના અલીરાજપુરની હદ સુધી હાઇવે આવેલો છે. આ હાઇવે પર મોટી સંખ્યામાં મુસાફરો, ખાનગી માલવાહક, પ્રવાસી વાહનોની અવર જવર થતી હોય છે ત્યારે હાઇવે પર ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ ન બને અને હાઇવેનો ઉપરથી પ્રવાસ સુરક્ષિત બને એ માટે એસ.પી બલરામ મીણાએ જાહેરનામું પ્રસિદ્ધ કરવા વિનંતી કરતાં કલેક્ટર હર્ષિત ગોસાવીએ ફરજિયાત સીસીટીવીનો આદેશ કર્યો હતો.
જાહેરનામા મુજબ કેમેરાની ગોઠવણી તે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓના ચહેરા તથા વાહનોના નંબર સપષ્ટ રીતે દેખાય તે રીતે સીસીટીવી લગાવવાના રહેશે. તેમજ એકમના કેમ્પસના વિવિધ ભાગોમાં પણ નિયત સંખ્યામાં સંપૂર્ણ કેમ્પસને આવરી લેતા સીસીટીવી લગાવવાના રહેશે. તેમજ તેના બેકઅપની જાળવણી એક માસ સુધીની રાખવાની રહેશે.
આ સીસીટીવી અદ્યતન ટેકનોલોજીવાળા અને નાઇટ વિઝન સુવિધા સાથેના અને નિયત કરેલી સ્ટોરેજ કરેલી કેપેસીટી સાથેની સુવિધાવાળા લગાવવાના રહેશે. માલિકો, સંચાલકો હસ્તકના સીસીટીવી કેમેરામાં ભારતીય માનક અનુસારના ચોક્કસ સમય અને તારીખ નિયત કરવાના રહેશે. મેજિસ્ટ્રેટે આ આદેશ તા. 9 નવેમ્બર 2022થી 60 દિવસ સુધી અમલમાં રહે તે રીતે કર્યો છે.
હાઇવે પર કેટલાં સ્થળ | |
હોટલ | 21 |
મસ્જિદ મંદિર | 7 |
પેટ્રોલ પંપ | 9 |
દાહોદમાં ને.હા.47 જે MPની હદથી પંચમહાલની હદ સુધી જોડાયેલો છે: લંબાઇ 70 કિમી |
3 માસમાં 5 વાહન પંક્ચર કરાયા, 1 પરિવાર લૂંટ્યો
છેલ્લા બે માસમાં હાઇવે ઉપર રોઝમ અને કંબોઇની ઘટનામાં એક પરિવારની લૂંટ કરાઇ છે. આ સાથે કાર, જીપ, સ્કોર્પિયો, ટ્રેક્ટર સહિતના પાંચ વાહન પંક્ચર કરીને લૂંટનો પ્રયાસ કરાયો છે. આ સાથે અમદાવાદના બાવળાના એક પરિવારની કાર ઉપર પથ્થમારો કરીને કાચ ફોડી નાખવામાં આવ્યા હતાં.
સીસીટીવી કેમેરા મૂકતાં પોલીસ નજર રાખી શકશે
હાઇવે ઉપર વિવિધ એકમો સીસીટીવીથી સજ્જ બને તો લૂંટારુઓની સાથે સાથે બેફામ હંકારી અડફેટે લઇ ભાગી જતાં ચાલકોને પકડવામાં સફળતા મળશે. તેમજ કેમેરાના માધ્યમથી પોલીસ તંત્ર નાનામાં નાની હિલચાલ પર નજર રાખી શકશે.
લૂંટ રોકવા અગાઉ શું કરવામાં આવ્યું હતું
દાહોદ | એકલદોકલ ચાલકોને નિશાન બનાવી, વાહનોમાં પંચર કરીને લૂંટ ચલાવીને પલાયન થવાના વધતા જતા બનાવોનો સર્વે કરીને પોલીસે 2018માં હાઇવે પર પ્રતિ 10 કિલોમીટરે એક સહાયતા કેન્દ્ર ઉભું કરેલું છે. જ્યાં પોલીસોને તૈનાત રખાય છે. MPના ખંગેલા ચેકપોસ્ટથી પંચમહાલના સંતરોડ વચ્ચેના 70 કિમીના વિસ્તારમાં ઘડેલી વ્યૂહરચનાથી લૂંટની ઘટનાઓમાં ઘટાડો થયો હતો. જોકે, ચેકપોસ્ટ છોડીને લૂંટારુઓ વાહનોને નિશાન બનાવતાં થયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.