શિક્ષણનું સ્તર કથળયું:દાહોદ જિલ્લો ધો-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 40.19 % સાથે રાજ્ય મા સૌથી છેલ્લા ક્રમે

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીમખેડા પરીક્ષા કેન્દ્રનું રાજ્યમા સૌથી નીચુ માત્ર 33.33% પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લાનું ગુજરાત રાજ્યમાં સૌથી ઓછુ 40.19 ટકા પરિણામ આવ્યું છે અને તેમાંય કેન્દ્રવાર પરિણામમાં પણ સૌથી ઓછુ દાહોદ જિલ્લાના લીમખેડા કેન્દ્રનું 33.33 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે દાહોદ જિલ્લામાંથી એક પણ વિદ્યાર્થીનો એ - 1 ગ્રેડમાં સમાવેશ થવા પામ્યો નથી.

દાહોદ જિલ્લામાં આજરોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લામાં આ વખતે સૌથી ખરાબ પરિણામ જાહેર થયું હોય તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય કારણ કે, ગુજરાતમાં સૌથી ઓછુ પરિણામ જિલ્લા પ્રમાણે જાહેર થયું હોય તો તે દાહોદ જિલ્લાનું છે. દાહોદ જિલ્લાનું માત્ર 40.19 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે કેન્દ્રવાર પરિણામમાં પણ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનું 33.33 ટકા પરિણામ આવ્યું છે.

આ વર્ષે દાહોદ જિલ્લામાંથી કુલ 1437 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. દાહોદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના ત્રણ કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં જેમાં દાહોદ, લીમખેડા અને લીમડીનો સમાવેશ થાય છે. દાહોદ કેન્દ્રમાં 625 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 300 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં અને 325 વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં. જ્યારે લીમખેડા કેન્દ્રમાં કુલ 631 વિદ્યાર્થીઓ પૈકી 561 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં 187 વિદ્યાર્થીઓ પાસ અને 444 વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં તેવી જ રીતે લીમડીમાં 181 વિદ્યાર્થીઓ પૈકી 180 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 62 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં અને 119 વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં. દાહોદ કેન્દ્રનું 48 ટકા પરિણામાં આવ્યું હતું. લીમખેડા કેન્દ્રનું 33.33 ટકા અને લીમડી કેન્દ્રનું 34.33 પરિણામ જાહેર થયું હતું.

ગ્રેડ પ્રમાણેની વાત કરીએ તો આ વર્ષે એ-1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થીઓનો દાહોદ જિલ્લામાંથી સમાવેશ થયો નથી. જ્યારે એ-2 ગ્રેડમાં 6, બી- 1 ગ્રેડમાં 26, બી - 2 ગ્રેડમાં 80, સી - 1 ગ્રેડમાં 113, સી - 2 ગ્રેડમાં 229, ડી ગ્રેડમાં 92 અને ઈ - 1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...