• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod District Collector Informed About The Arrangement Of Tribal Convention, A Program Will Be Organized Under The Protection Of More Than 3 Thousand Policemen.

તૈયારીઓને આખરી ઓપ:દાહોદ જિલ્લા કલેક્ટરે આદિજાતિ મહાસંમેલનની વ્યવસ્થા અંગે માહિતી આપી, 3 હજારથી વધુ પોલીસકર્મીઓની સુરક્ષામાં કાર્યક્રમ યોજાશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં આદિજાતિ મહાસંમેલનની વ્યવસ્થા અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ સચિવ કક્ષાના અધિકારીશ્રીઓ સહિત 115 જેટલા અધિકારીઓ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થા માટે જોડાયા કાર્યક્રમ સ્થળ 200 જેટલા સીસીટીવીની બાજ નજરમાં રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 20 એપ્રિલે દાહોદના ખરોડ ખાતે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. ત્યારે આ સંદર્ભમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તથા તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે માહિતગાર કરવા જિલ્લા સેવા સદન ખાતે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી.

પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું કે, આગામી તા. 20ના રોજ પ્રધાનમંત્રીના ખરોડ ખાતે યોજાનારા કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ‘આદિજાતિ મહાસંમેલન’માં પાંચ આદિજાતિ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સહભાગી થવાના છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર સહિત વડોદરા ગ્રામ્યમાંથી પણ નાગરિકો સહભાગી થવા આવશે.

પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના રૂ. 1259.94 કરોડના કાર્યોનું લોકાર્પણ કરશે. તેમજ રૂ. 550 કરોડના ખાતમુહૂર્ત કરી આરંભ કરાવશે. ઉપરાંત પંચમહાલ જિલ્લાના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત રેલ્વેને લગતી પણ મહત્વની જાહેરાત પ્રધાનમંત્રી કરશે. કાર્યક્રમ 12થી 1 દરમિયાન શરૂ કરાશે. તેમજ પ્રધાનમંત્રી 3.30 વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે. તેમજ 5 વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની વ્યવસ્થા માટે સચિવ કક્ષાના અધિકારીઓ સહિત 115 જેટલા અધિકારીઓ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થા માટે જોડાયા છે. કાર્યક્રમના સ્થળે સહભાગી થનારા નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓનું ઝીણવટભર્યું આયોજન કરાયું છે. નાગરિકોને પાર્કિગથી લઇને કાર્યક્રમ સ્થળે પીવાના પાણીથી લઇને કોઇ પણ હેલ્થ ઇમરજન્સી માટેની પણ તમામ સુવિધાઓ કરાઇ છે.

કાર્યક્રમ વિશે સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં સહભાગી થવા માટે બે અલગ અલગ રૂટ નક્કી કરાયા છે. જેમાં ઝાલોદ તરફથી તેમજ દાહોદ તરફથી આવનાર વાહનો માટે બસ અને કારની પાર્કિગની વ્યવસ્થા અલગ અલગ કરાયા છે. કાર્યક્રમ સ્થળની સુરક્ષા માટે ડીએફએમડી ગેટ રખાયા છે. ચેકીગ કર્યા પછી જ સ્થળ પ્રવેશ કરી શકાશે. તેમજ બહારથી કોઇ પણ વ્યક્તિને પાણીની બોટલ, લેડીઝ પર્સ, કોઇ પણ હથિયાર તેમજ જ્વલનશીલ પદાર્થ લઇ જઇ શકશે નહી.

તેમણે જણાવ્યું હતું કે, મહાસંમેલન સ્થળે સુરક્ષા માટે એક આઇજીપી, 2 ડીઆઇજીપી, 12 એસપી, 36 ડીવાયએસપી તેમજ 100 પીઆઇ, 300 પીએસઆઇ સહિત 3000થી પણ વધુ પોલીસનો બંદોબસ્ત કરાયો છે. જેમાં હોમગાર્ડના પણ 700 જવાનોને શામેલ કરાશે. તેમજ એનએસજી, એટીએસ સહિત ચેતક કંમાડો યુનિટ સાથે પણ સંકલન સાધીને સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, કાર્યક્રમનું સ્થળ 200 જેટલા સીસીટીવીની બાજ નજરમાં રહેશે. તેમજ આ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ ઊભું કરાયું છે. ઉપરાંત તમામ રૂટ અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકીંગ કરાઇ રહ્યું છે તેમજ પોલીસ બંદોબસ્ત કરાયો છે. ટ્રાફિક નિયમન માટે બફર ઝોન બનાવી ટ્રાફિકની વ્યવસ્થા કરાઇ છે. તેમજ કલર કોડ રખાયો છે. બસ સહિતના આવનારા 17 હજારથી વધુ વાહનો માટે પાર્કિગ સહિતની તમામ વ્યવસ્થા કરાઇ છે. વાહન વ્યવસ્થા માટે કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડીને વ્યવસ્થા જાહેર કરી છે. જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક મહાસંમેલનમાં સહભાગી થવા સામાન્ય નાગરિકોને ઘરે ઘરે જઇને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ માટે ગામથી લઇને તાલુકા લેવલે જૂથ બનાવીને નાગરિકોને કાર્યક્રમ વિશે માહિતગાર કરાઇ રહ્યા છે અને તેમને કાર્યક્રમમાં સંમેલિત થવા નિમંત્રણ અપાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...