આકરી બનેલી ઠંડી:8.2 ડિગ્રીથી બુધવારે દાહોદ જિલ્લો ઠંડોગાર

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વાયરાએ ઠંડીની તિવ્રતા વધારતાં પ્રજા ધ્રુજવા માંડી, દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડ્યા
  • આકરી બનેલી ઠંડીથી ઠેર-ઠેર તાપણાના દ્રષ્યો : આખો દિવસ તાપના આશરે રહ્યા લોકો

દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા દિવસ અને રાત્રિનું તાપમાન સતત ઘટી રહ્યું છે. જેના કારણે ઠંડી વધી છે. પરોઢથી જ જિલ્લામાં 15થી વધુ પ્રતિ કલાકની ગતિથી ફૂંકાયેલા ઠંડા અને સૂકા પવનને કારણે મોડી રાત્રિથી પરોઢ સુધી કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. દાહોદ જિલ્લામાં ગુરુવારથી ખાસ કરીને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જિલ્લામાં ઠંડીનો પારો ગત સપ્તાહ કરતાં ચાર ડિગ્રી ગગડી ગયો હતો. બુધવારના રોજ ઠંડીનો પારો 8.2 રહ્યો હોવાનું નોંધાયુ હતું.

દાહોદ જિલ્લા કૃષિ એકમ(દામુ) યોજનાના કેવીકેના હવામાન વૈજ્ઞાનિક હર્ષ.આર પંડ્યાએ જણાવ્યુ હતું કે, હવામાન આગામી દિવસોમાં ઇશાન તરફથી પવનો આવવાની શક્યતાઓ છે. તેના કારણે દાહોદ જિલ્લામાં ઠંડી વધવાની શક્યતાઓ જોવાઇ રહી છે. પવનોએ ઠંડીની તિવ્રતા વધારતાં લોકોને આખો દિવસ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા રહેવાની ફરજ પડી હતી સાથે તાપના આશરે આખો દિવસ કાઢ્યો હતો. શહેરના માર્ગો પર લોકોની ચહલપહલ ઘટી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...