દાહોદ @73:દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત 5 વ્યક્તિને કોરોના પોઝિટિવ, 1 નું મોત

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • DDOને કોરોના પોઝિટિવ આવતાં વહીવટી તંત્રમાં ખળભળાટ
  • દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ટ્રાવેલ હિસ્ટ્રી અને સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ

સોમવારે પણ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સહિત 5 નવા દર્દીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. દાહોદમાં સોમવારે જાહેર થયેલા 131 પરિણામો પૈકી 5 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, ફરજાના ગફારભાઈ કુંજડા, નાના ડબગરવાસના ઈન્દુ પરમાર, મોટા ઘાંચીવાડના મહંમદ રફીક ભુંગા અને મોટા ડબગરવાસના સમીરભાઈ દેવદાર આ પાંચ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ જાહેર થઇ હતી. સોમવારે પોઝિટિવ જાહેર થયેલા DDO રચિત રાજ કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે.

દાહોદમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઇ
આ સાથે રવિવારે પોઝિટિવ આવેલી વ્યક્તિઓમાથી એક યુવક મુલાકાતી તરીકે જતાં તેઓ સંક્રમિત થયા હોવાનું ચર્ચાય છે. આ સાથે પોઝિટિવ આવેલા ફરજાનાબેન કુંજડાનું તો સોમવારે  જ નિધન થઇ ગયું હતું. આ ઉપરાંત પોઝિટિવ આવેલા અન્ય લોકો પણ લક્ષણો વાળા જણાતા તેમના સેમ્પલ લેવાયા હતા. આરોગ્ય વિભાગે તમામ પાંચેય પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે દાહોદમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઇ છે અને હવે તો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં ધરાવતા લોકો જ વધારે પ્રમાણમાં કોરોના પોઝિટિવ જાહેર થતા થયા છે. ત્યારે છેલ્લા બે દિવસથી તંત્ર છૂટ સિવાયના સમયે રખડતા લોકો સામે  કડકાઈ દાખવી નિયમોનું પાલન કરાવે છે.

3 વ્યક્તિઓનાં મૃત્યુ થયા હોવાની માહિતી મળી
તે જ રીતે દિવસે પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન નહીં કરતા લોકો સામે વધુ કડક બની કાયદાકીય કાર્યવાહી હાથ ધરે તે આવનારા સમય માટે જરૂરી છે. ડબગરવાસ કે ઘાંચીવાડમાંથી જે રીતે કેસનું પ્રમાણ વધ્યું છે તે જોતાં આ બંને વિસ્તારમાં કડક કાર્યવાહી કરી માસ ટ્રેસિંગ કરી કોરોનાના રિપોર્ટ થાય તો તેમની સાથે આસપાસના વિસ્તારો પણ બચી શકે તેવી લોક લાગણી વહી રહી છે. દાહોદમાં આ સાથે કોરોનાના કુલ 73 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી 23 એક્ટિવ કેસ છે અને 3 વ્યક્તિઓનાં મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...