વિવાદના ભણકારા:ગુજરાત - રાજસ્થાન વચ્ચે જળ સમજુતીમાં વિવાદના ભણકારા

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંસવાડાના માહી ડેમનું પાણી ગુજરાતને નહીં આપવાનો હુકમ
  • ખેડામાં નર્મદાનું પાણી નહીં આવે ત્યાં સુધી જ પાણી આપવાના કરારનો આધાર લીધો : બંધ બાંધવા ગુજરાતે 55 ટકા રૂપિયા આપ્યા હતા

ગુજરાત અને રાજસ્થાન રાજ્ય વચ્ચે 1966માં થયેલી આંતરરાજ્ય જળ સમજુતીને કારણે બાંસવાડા નજીક આવેલા માહિ ડેમમાંથી ગુજરાત રાજ્યને પાણી અપાતુ હતું. જોકે, ત્યાંના નવનિયુક્ત જળસંસાધન વિભાગના મંત્રીએ હવેથી ગુજરાતને પાણી નહી આપવા માટે અધિકારીઓને હુકમ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ જોતા આગામી દિવસોમાં ગુજરાત-રાજસ્થાન વચ્ચે આંતરરાજ્ય જળ સમજુતીમાં વિવાદના ભણકારા વાગી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના નવા વરાયેલા જળસંસાધન વિભાગના નવા મંત્રી મહેન્દ્રજીતસિંહ માલવિયાએ મંગળવારે જયપુરમાં કરેલી રિવ્યુ મીટીંગમાં ગુજરાતને હવે માહી બંધનું પાણી નહીં આપવાની સુચના આપી હતી. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વર્ષ 1966માં થયેલા આંતરરાજ્ય જળ કરારનો આધાર લઇને જણાવ્યુ હતું કે, ખેડા વિસ્તારમાં નર્મદાનું પાણી નહીં આવે ત્યાં સુધી જ માહી બંધનું 40 હજાર મિલિયન ક્યુબિક પાણી આપવાનું નક્કી થયુ હતું. આ કરારમાં એમ પણ નક્કી થયું હતું કે ખેડામાં નર્મદાનું પાણી આવી જાય તો માહી બંધથી 40 ટીએમસી પાણી બંધ કરી દેવાય, જોકે આ મામલે ઘણી વખત પત્રવ્યવહાર થયા છતાં ગુજરાત સરકાર પ્રત્યુતર નહીં આપતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

માલવિયાએ એમ પણ કહ્યું હતું કે, જળ બટવારાના થયેલી સમજુતીને લાગુ કરાવવા માટે પ્રભાવિ કાર્યવાહી કરીશું. માહિ ડેમ રાજસ્થાનના બાંસવાડા નજીક આવેલું છે. આ ડેમમાં મધ્ય પ્રદેશના ધારથી આવતી મહિસાગર, પ્રતાપગઢથી અનાસ, બુનાન, ખાંદુ, તેલની તેમજ અનેક વરસાદી નાળાનું પાણી આવે છે. આ ડેમની જળ ક્ષમતા 77 થાઉઝેન્ડ મીલીયન ક્યુબીક છે. માહી ડેમથી 100 કિમી દુર જ ગુજરાતનું કડાણા ડેમ આવેલું છે.

ઉલ્લેખનિય છે કે, માહી બંધથી છોડવામાં આવતુ પાણી પહેલાં કડાણા ડેમમાં જાય છે અને ત્યાંથી ખેડા પહોંચાડવામાં આવે છે. આ પાણીમાંથી કડાણામાં વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. કડાણા અને ખેડા વચ્ચે નહેરથી નર્મદાનું પાણી રાજસ્થાનમાં પ્રવેશ કરે છે.

ગુજરાત સરકારની માગણી પ્રમાણેનું ચૂકવણું થશે બાદ જ પાણી રોકી શકાશે
જળ કરાર હેઠળ રાજસ્થાન સરકારને માહીબાંધ નિર્માણના કુલ ખર્ચનો નિર્ધારિત ખર્ચ ગુજરાતને આપવો પડશે ત્યારે જ 40 ટીએમસી પાણી ઉપર હક જતાવવાનું શક્ય બનશે. કારણ કે, 1966માં બંધ નિર્માણમાં 90થી વધુ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાંથી ગુજરાતનો 55 ટકા ભાગ હતો. ગુજરાત સરકારની માગણી પ્રમાણેનું ચુકવણું રાજસ્થાન કરશે તો જ પાણી રોકી શકે તેમ છે. >ગોપીરામ અગ્રવાલ, આંતરાજ્ય જળ મામલાના જાણકાર

અન્ય સમાચારો પણ છે...