ભાજપના નેતાઓની રેલી અને પ્રચાર કામગીરી ગુજરાતમાં તેજ બનવાને પગલે હવે, કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવવાની શક્યતાઓને જોતાં પ્રજાના મુડને પારખવા મેદાનમાં ઉતરી છે. ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીલક્ષી ગતિવીધીઓ તેજ બની રહી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે આવતીકાલે કોગ્રસના નેતા રાહુલ ગાંધી દાહોદ આવી રહ્યાં છે. ગુજરાતમાં આદિવાસી વોટ બેંક વિધાનસભાની ચૂંટણી માટે મહત્વની માનવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ આદિવાસીઓના પ્રશ્નોને લઇને આગળ વધી રહી છે.
દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં સભા યોજાશે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તારીખ 10મી મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દાહોદમાં યોજાનારા આદિવાસી સંમેલનને સંબોધશે. આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાન પર સવારે 10 કલાકે સંબોધન કરશે. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ, માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે. જેમાં આદિવાસી પત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ 2019 રદ્દ કરવા, કોંગ્રેસ સરકાર દ્વારા 1996માં લાવવામાં આવેલો ભૂરિયા કમિટીના PESA કાયદાનો સંપૂર્ણ અમલ કરવા, સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલોને બંધ કરવા કે ખાનગીકરણ તાત્કાલિક અટકાવવા, તેમજ તેમાં સુવિધાઓ વધારવા અને દરેક વ્યક્તિને મફત શિક્ષણ અને સારવાર પૂરી પાડવા કોંગ્રેસ લડત આપશે.
આદિવાસીઓના હક્ક માટે કોંગ્રેસ લડત આપે છે: જગદીશ ઠાકોર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પાર્ટી લડત આપી રહ્યો છે. ત્યારે આદિવાસી સમાજના ભાઈ-બહેનોના હક્ક અને અધિકાર માટે તા. 10મી મેના રોજ દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં બહુ મોટી સંખ્યામાં જોડાવવા કોંગ્રેસ પાર્ટી દ્વારા અપીલ કરીએ છીએ.
રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, ભારત દેશના બંધારણે આદિવાસી ભાઈ-બહેનોને આપેલા વિશેષ અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસી સમાજના ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પાર્ટી સતત સંસદ ધારાસભા અને સડક પર લડત આપી રહ્યો છે. ગુજરાતમાં ભાજપાની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિને મોટા પાયે નુકસાન કરી રહી છે. તા.10મી મેના રોજ કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 કલાકે બેઠક કરશે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારનાં તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે અને સ્થાનિક પરિસ્થિતી વિશે ચર્ચા કરશે.તેમણે કહ્યું કે, આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયની અંદર વધુ મજબુતીથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મુકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.