ગઠબંધન બાદની મૂંઝવણ:દેવગઢ બારિયા બેઠક પર કૉંગ્રેસ-NCPનું ગઠબંધન તો થયું પણ આ બેઠક પર NCPએ કૉંગ્રેસનો ઉમેદવાર ઉછીનો લેવો પડે તેવો ઘાટ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2007 બાદ ફરીથી કોંગ્રેસે આ બેઠક પર એનસીપી સાથે ગઠબંધન કર્યુ

દાહોદ જિલ્લામાં ભાજપે ચાર અને કોંગ્રેસે ત્રણ તેમજ આમ આદમી પાર્ટીએ ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે.આમ કોંગ્રેસનુ ત્રણ અને ભાજપાનુ બે બેઠક પર કોકડું ગુંચવાયુ છે ત્યારે દેવગઢ બારીયા બેઠક માટે કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કરી લેતાં હવે આ બેઠક પરના સમીકરણો બદલાઇ ગયા હોવાનું લાગી રહ્યુ છે.ત્યારે એનસીપી ઉમેદવાર ક્યાંથી લાવશે તે પણ એક સવાલ છે.

ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ
ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ

ભાજપાના ગઢમાં પાર્ટીએ ફરીથી બચુ ખાબડને મેદાનમાં ઉતાર્યા છે
દેવગઢ બારીયા બેઠક ભાજપાનો ગઢ છે.કારણ કે સતત બે ટર્મથી ભાજપ અહીં જંગી સરસાઇથી જીતી રહ્યો છે.ભાજપાના ઉમેદવાર બચુભાઇ ખાબડ કે જેઓને હાલમાં પાર્ટીએ ફરીથી ટિકીટ આપી છે તેઓ 2012માં 85,000 તેમજ 2017માં 45,000 લીડ સાથે વિજેતા થયા હતા.2012માં તેઓ ગુજરાતમાં બીજા નંબરે મહત્તમ સરસાઇથી વિજય મેળવનાર ધારાસભ્ય હતા.ત્યારે પ્રથમ ક્રમે આનંદીનેન પટેલ એક લાખ મતો કરતા વખારે લીડથી વિજયી થયા હતા.

પૂર્વ ધારાસભ્ય તુષારબાબા
પૂર્વ ધારાસભ્ય તુષારબાબા

2007માં એનસીપીના ધારાસભ્ય તરીકે તુષારબાબા ચુંટાયા હતા
આ બેઠક પર ભુતકાળમાં વર્ષ 2007માં કોંગ્રેસ અને એનસીપીએ ચુંટણી સમજૂતી કરી હતી.તે વખતે દેવગઢ બારીયા રાજવી પરિવારના તુષારસિંહ મહારાઉલ એનસીપીના ઉમેદવાર તરીકે લડ્યા હતા અને તેઓએ ભાજપાના વિજય પટેલને પરાજય આપ્યો હતો.તે વખતે પણ કોંગ્રેસે અનસીપીને ત્રણ બેઠકો જ ફાળવી હતી.

એનસીપી ઉમેદવાર લાવશે ક્યાંથી તે યક્ષ પ્રશ્ન
​​​​​​​
કોંગ્રેસ માટે આ બેઠક ભુતકાળમાં ગઢ ગણાતી હતી.કારણ કે રાજવી પરિવારના જ તુષારસિંહ બાબાના માતા ઉર્વશીદેવી આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવતા હતા.હાલમાં તેઓ ભારતીય જનતા પક્ષમાં છે અને આ વખતે ભાજપામાંથી તુષારસિંહે પણ દાવેદારી કરી હતી પરંતુ મોવડી મંડળે ફરીથી બચુભાઇને જ મેદાનમાં ઉતાર્યા છે.આ બેઠક પર કોંગ્રેસનો એક પણ મજબુત ઉમેદવાર નથી તે પક્ષે પણ સ્વીકારેલુ છે.ત્યારે એનસીપીનો અહીં અ પણ ન હોવાથી એનસીપીએ કોંગ્રેસ પાસેથી ઉછીનો ઉમેદવાર લેવો પડે તેમ છે. કે જે ઉમેદવાર હોય કોંગ્રેસનો પરંતુ તે એનસીપીના ચિન્હ સાથે ચુંટણી લડે અને કોંગ્રેસના કાર્યકરો તેની પ્રચાર ધુરા સંભાળે.

આપના ઉમેદવાર ભરત વાખળા
આપના ઉમેદવાર ભરત વાખળા

કોંગ્રેસના ગત વખતના ઉમેદવારે આ વખતે પહેલેથી જ 'ઝાડુ' ઝાલી લીધુ છે
બીજી તરફ જે ઉમેદવારે ગત વખતે કોંગ્રેસ તરફે ચુંટણી લડી હતી તે ભરત વાખળા પહેલેથી જ આપમાં જોડાઇને બીજી યાદીમાં જ આપના ઉમેદવાર જાહેર થઇ ચુક્યા છે ત્યારે આ મુદ્દે પહેલેથી જ કોંગ્રેસનુ ગણિત ગુંચવાઇ ચુક્યુ હતુ.તેવા સમયે પક્ષે હવે એનસીપી સાથે સગવડિયા લગ્ન ગોઠવી દીધા છે.

હું ભાજપામાં જ છુ- તુષારબાબા
​​​​​​​
તુષારબાબાની ટીકીટ કપાતાં તેમના સમર્થકોમાં નારાજગી હોવાનું પણ જાણવા મળ્યુ છે.ત્યારે તેઓ ફરીથી એનસીપીના ઉમેદવાર તરીકે ચુંટણી લડશે કે કેમ તે પ્રશ્ન આપો આપ જ ઉભો થયો છે.ત્યારે તેમનો ટેલીફોનીક સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતુ કે બીજા પક્ષો મારો સંપર્ક સતત કરી રહ્યા છે તેમજ મારા સમર્થકો પણ નારાજગી છે અને તેઓ દર વખતે અન્યાય થતો હોવાની વ્યથા ઠાલવી રહ્યા છે.તેમ છતાં હું કોઇ બળવો કરવાનો નથી અને હું ભાજપામાં છુ અને ભાજપામાં જ રહીશ.

અન્ય સમાચારો પણ છે...